તાઉ-તેને કારણે 3748 ગામડાં વીજ પુરવઠો ખોરવાયો, 40 ટકા વીજપોલ ધરાશાયી થયાઃ ઊર્જાપ્રધાન
અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને કારણે વીજ તંત્રને સારૂએવું નુકશાન થયુ છે. સમગ્ર ગુજરાતમાં વીજ તંત્રને થયેલા નુકસાન અંગે રાજકોટમાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, તાઉ-તે વાવાઝોડાના કારણે 3748 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં 1115 ગામડામાં ફરી વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. બાકીના ગામોમાં કામગીરી ચાલી રહી છે. તેમજ 122 કોવિડ હોસ્પિટલમાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં 66 જેટલી હોસ્પિટલમાં હજી પણ વીજ પુરવઠો કાર્યરત થયો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાઉ-તે વાવાઝોડું ગત રાત્રિના ટકરાયું હતું. ઊર્જા વિભાગને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. 2.23 લાખ કિમી વીજ લાઇન છે. જેમાં 9 હજાર કિમી લાઇનને નુકસાન પહોંચ્યું છે. ગોંડલના 16 સબસ્ટેશન પૈકી 8 સબ સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. બાકીના 8 સબસ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. હાલ ગુજરાતમાં 123 સબ સ્ટેશન બંધ છે. મહુવામાં મોટું નુકસાન થયું છે. કચ્છ, જામનગર અને મોરબીના વીજ કર્મીઓની મદદ લેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની ફોર્સને પણ ગીર સોમનાથ, મહુવા સહિતના વિસ્તારમાં કામે લગાડવામાં આવશે. તાઉ-તે વાવાઝોડાને કારણે PGVCLને કરોડો રૂપિયાનું નુકસાન પહોચ્યું છે. વાવાઝોડાના કારણે કોવિડ હોસ્પિટલમાં પણ અસર પહોંચી છે. 122 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જે પૈકી 66 કોવિડ હોસ્પિટલમાં હજુ પણ વીજ પુરવઠો કાર્યાન્વિત કરવાનો બાકી છે. સબ સ્ટેશન શરૂ થયા બાદ જ વીજ પુરવઠો કાર્યાન્વિત કરી શકાશે. અસરગ્રસ્ત વિસ્તારમાં 30થી 40 ટકા વીજપોલ ધરાશાયી થયા છે