તાઉ-તે વાવાઝોડુ સોમવારે રાત્રે રાષ્ટ્રના સાગર કાંઠે ત્રાટકશેઃ રેડ એલર્ટ જારી કરાયું
અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના સાગરકાંઠે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડું વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. જ્યારે સૌરાષ્ટ્રના સાગર કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત અસર થનાર દરિયાકાંઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. આ સાથે વેરાવળ અને જાફરાબાદ બંદર પર 10 નંબર સૌથી ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
તાઉ-તે વાવાઝોડાને પગલે હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે.. વાવઝોડું દિવથી 250 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. આ સાથે આજે રાતે 8થી 11 વાગ્યા વચ્ચે પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ રહેલી છે. 155થી 165 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે વાવઝોડું ફૂંકાશે.
વાવાઝોડાની અસર હવે દરિયાકાંઠે ઉંચળતા મોજા રૂપે જોવા મળી રહી છે. વેરાવળ-જાફરાબાદ બંદર પર 10, ધોધા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળ અને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર મોજા ઉછળી રહ્યા છે ઉપરાંત જાફરાબાદ,શિયાલબેટ,પીપાવાવ, સરકેશ્વર,ધારબંદર વિસ્તારમાં અતિભારે પવન શરૂ થયો છે. ધીમીધારે વરસાદનું પણ દરિયાકાંઠે આગમન જોવા મળી રહ્યું છે. સાથે તંત્ર દ્વારા 4 નંબરનું સિગ્નલ હટાવી આજે સીધું જ 10 નંબર સિંગલ લગાવી દેવાયું છે અને એલર્ટ જાહેર કરી દેવાયું છે. દરિયાકાંઠે લોકોને નહીં જવા તંત્ર દ્વારા અપિલ કરાય રહી છે.
તાઉ-તે વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વધુ ખતરો મંડરાય રહ્યો છે ત્યારે સ્થળાંતર કરવા માટે લોકો હજુ ક્યાંક સહકાર ન આપતા હોવાને કારણે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા જાફરાબાદ સામા કાંઠે પહોંચી સ્થળાંતર કરવાની અપીલ કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરાઇ છે. ઉપરાંત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાનો આજે દિવસ દરમિયાન પ્રવાસ ગ્રામીણ વિસ્તારમાં રહેશે. લાઈટ હાઉસ વિસ્તારમાં સ્થિતિ વધુ ટાઈટ હોવાને કારણે હાલ પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે.