Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્સ વસુલાત ઝૂંબેશ, 8704 મિલકતો સીલ, 25 કરોડની આવક

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા મિલ્કતધારકો વર્ષોથી પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી. આથી પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા વસુલાતની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.બાકી રકમ વસુલવા માટે ટેક્સ વિભાગ દ્વારા હવે મિલકતોના સિલિંગ શરૂ કરવામાં આવી છે. જેમાં  એક જ દિવસમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 8704 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. અને  મ્યુનિ.ને બાકી ટેક્સની 25 કરોડની આવક થઈ છે. મેગા સિલિંગ ઝુંબેશ અંતર્ગત સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 5089 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. BSNLનો 5.90 કરોડનો ટેક્સ બાકી હતો જેની ચુકવણી કરવામાં આવી હતી. એક જ દિવસમાં અત્યાર સુધી 18.90 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનો રેકોર્ડ હતો. તે તૂટ્યો છે. અને મેગા સિલિંગ ઝુંબેશ અંતર્ગત 25 કરોડની આવક થઈ છે.  આગામી દિવસોમાં પણ આ મેગા સિલિંગ ઝુંબેશ યથાવત રહેશે

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગે સિલિંગ તેમજ પાણી-ડ્રેનેજ કાપવાની ઝુંબેશ અંતર્ગત શહેરમાં મેગા સિલિંગ ઝુંબેશ શરૂ કરાઇ હતી. તમામ ઝોનમાં તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ સહિતની ટીમો વહેલી સવારે સિલિંગ કરવા વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા હતા. અને પશ્ચિમ ઝોનમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 4 હજાર જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે દક્ષિણ ઝોનમાં પણ સૌથી વધારે 900 જેટલી મિલકતો અત્યાર સુધીમાં સીલ કરી દેવામાં આવી છે. મેગા સિલિંગ ઝુંબેશની સાથે સાથે પાણી અને ડ્રેનેજના કનેક્શન આપવામાં આવી રહ્યા છે. હવે જો ટેક્સ ન ભરે તો વીજ કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ ઝોનમાં નિકોલ ખોડીયાર મંદિર પાસે આવેલા ખુશી આર્કેડમાં વીજ કનેકશન કાપવામાં આવ્યા હતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ. એ. પટેલની હાજરીમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓને બોલાવી વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. વીજ કનેક્શન કપાતા તાત્કાલિક ટેક્સધારક દોડી આવ્યા હતા. બાકી ટેક્સના 11 લાખ રૂપિયાનો ચેક આપતા  વીજ કનેકશન ફરી જોડી આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે. કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 100 ટકા વ્યાજ માફીની સ્કિમ અમલમાં મૂકાઈ છે. ઉપરાંત વર્ષોથી લોકોને માફીની રાહત આપવા છતાં કેટલાક ટેક્સધારકો પોતે ટેક્સ ન ભરતાં  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મેગા સિલિંગ ઝુંબેશ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં છેલ્લા 10 દિવસથી 800ની આસપાસ મિલકતો સીલ કરવામાં આવી છે.