પાલનપુરઃ શહેરમાં નગરપાલિકાની મુખ્ય આવક નાગરિકો તરફથી મળતા કરવેરા તેમજ સરકાર તરફથી ગ્રાન્ટની હોય છે. સામે વીજળી બિલથી લઈને રોજબરોજના ખર્ચાઓ, સ્ટાફનો પગાર, ઉપરાંત વિકાસના કામો માટેનો ખર્ચ વધુ હોવાથી દર વર્ષે નગરપાલિકા આર્થિક સમસ્યાનો સામનો કરતી હોય છે. ત્યારે શહેરમાં ઘણાબધા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ નિયમિત ભરતા નથી. આથી નગરપાલિકાના સત્તાધિશો દ્વારા ઘણા સમયથી બાકી ટેક્સ વસુલાતની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત કુમાર પટેલની સીધી સૂચનાથી પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના બિનરહેણાક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ધરવેરા ન ભરતા ઇસમો સામે નગરપાલિકાએ લાલ આંખ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પાલનપુર શહેરમાં ખાસ કરીને કોમર્શિયલ પ્રોપર્ટીના બાકીદારોને ટેક્સ ભરવા માટે વારંવાર નોટિસો આપ્યા છતાંયે રિકવરી ન થતાં હવે નગરપાલિકા દ્વારા સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં કુલ 35 જેટલી દુકાનો સીલ કરવામાં આવી હતી અને પાલિકાના અધિકારી દ્વારા સ્થળ ઉપરથી રૂપિયા 3 લાખ ની વસુલાત કરવામાં આવી હતી. જો કે આ કામગીરીમાં વોર્ડ નંબર નવની ટીમ દ્વારા કરવામાં આવી હતી. અને આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. રહેણાંકના ઘણાબધા મકાનધારકો પણ ટેક્સ ભરવામાં આળસું હોય છે. એટલે કે રેસિડેન્સિયલ વિસ્તારનો લાખો રૂપિયાને ટેક્સ બાકી બોલી રહ્યો છે. નાગરિકોને બાકી ટેક્સ ભરી દેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. જો ટેક્સ નહીં ભરે તો પાણીના જોડાણો કાપી નંખાશે.
આ અંગે નગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ કામગીરી ચાલુ રાખવામાં આવશે જે ઇસમોને રહેણાંક તેમજ બિન રહેણાંક મિલ્કતના વેરો બાકી હોય તેઓએ સત્વરે પાલનપુર નગરપાલિકા આવી પોતાનો વેરો ભરપાઇ કરવો નહિતર નગરપાલિકા દ્વારા રેસીડેન્ટમાં નળ કનેક્શન કાપવામાં આવશે તેમજ કોમર્શિયલ એકમોમાં સિલિંગની કાર્યવાહી કરવામાં આવશે