કરવેરાની સમયસર ચુકવણી કરીને પ્રામાણિક કરદાતાઓએ દેશની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવીઃ નાણા મંત્રી
દિલ્હીઃ દેશભરમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા મંડળ (સીબીડીટી) અને એની તમામ ફિલ્ડ ઓફિસોમાં 161મા આવકવેરા દિવસની ઉજવણી થઈ હતી. આ ઉજવણીના ભાગરૂપે ફિલ્ડ ઓફિસોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. આવકવેરા વિભાગના સામંજસ્ય, ક્ષમતા, સાથસહકાર અને રચનાત્મક જોડાણની ભાવનાને વ્યક્ત કરતી આ પ્રવૃત્તિઓમાં આઇસીએઆઈના પ્રાદેશિક ચેપ્ટર્સ, વેપારી સંગઠનો વગેરે સહિત બાહ્ય હિતધારકો સાથે વેબિનારો, વૃક્ષારોપાણ અભિયાનો, રસીકરણ કેમ્પ, કોવિડ-19માં રાહત માટે કામ કરનાર તથા કોવિડ-19માં ફરજ બજાવવામાં પોતાનો જીવ ગુમાવનાર અધિકારીઓના પરિવારો સાથે જોડાયેલા અધિકારીઓને પ્રશંસાપત્ર પાઠવવા જેવી બાબતો સામેલ હતી.
આવકવેરા વિભાગને પાઠવેલા સંદેશમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારામને સરકારે વર્ષ 2014થી હાથ ધરલા વિવિધ સુધારાઓનો ઉત્સાહભેર અને સફળતાપૂર્વક અમલ કરવા બદલ વિભાગની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતું કે, કરવેરાની સમયસર ચુકવણી કરીને દેશની પ્રગતિમાં પ્રદાન કરવા બદલ પ્રામાણિક કરદાતાઓનું પણ સન્માન થવું જોઈએ. તેમણે આવકવેરાની પ્રક્રિયાઓ અને કામગીરીને સરળ બનાવવા માટે સતત કામ કરવા બદલ તેમજ વિભાગની કામગીરીને સરળ, તટસ્થ અને પારદર્શક બનાવવા બદલ પણ વિભાગની પ્રશંસા કરી હતી. તેમણે મહામારીને કારણે પેદા થયેલા મુશ્કેલ સ્થિતિસંજોગો વચ્ચે પણ પોતાની કરવેરો અદા કરવાની જવાબદારી પૂર્ણ કરવા બદલ કરદાતાઓની પ્રશંસા પણ કરી હતી. મહામારીને કારણે ફરજ નિભાવવામાં પોતાનો જીવ ગુમાવનાર અધિકારીઓને યાદ કરીને તેમણે જણાવ્યું હતું કે, દેશ તેમના પ્રદાનને હંમેશા યાદ રાખશે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ તેમના સંદેશમાં આવકવેરા વસૂલાતની તથા તટસ્થ અને પારદર્શક રીતે કરવેરા નીતિઓનો અમલ કરવા બદલ વિભાગની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગની પ્રક્રિયાઓ અને નીતિનિયમોના પાલનની જરૂરિયાતો પૂર્ણ કરવાની સુવિધાઓ ઓનલાઇન ઉપલબ્ધ થઈ છે અને કરદાતાઓને આવકવેરા કાર્યાલયોની રુબરુ મુલાકાતો લેવાની જરૂર રહી નથી અથવા એમાં બહુ મોટો ઘટાડો થયો છે. તેમણે એ હકીકત પર પણ પ્રકાશ ફેંક્યો હતો કે, કરદાતાઓ સાથે સંવાદમાં હવે વિશ્વાસ અને સન્માનની ભાવના જોવા મળે છે તેમજ વધુને વધુ કરદાતાઓ સ્વૈચ્છિક રીતે નીતિનિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત થયા છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં મંત્રી ડો. ભાગવત કિશનરાવ કરાડે કહ્યું હતું કે, આવકવેરા વિભાગ દેશની નિષ્ઠા સાથે અમૂલ્ય સેવા કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, કરવેરા સરકાર માટે આવકનો સ્ત્રોત હોવાની સાથે કેટલાંક ચોક્કસ સામાજિક-આર્થિક ઉદ્દેશો હાંસલ કરવા માટે અસરકારક માધ્યમ પણ છે. તેમણે કહ્યું હતું કે, વિભાગે સમયની જરૂરિયાત સાથે નોંધપાત્ર પરિવર્તન કર્યું છે અને બદલાતી જરૂરિયાતો સાથે તાલમેળ જાળવ્યો છે, જે માટે વિભાગ પ્રશંસાનો હકદાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિભાગ તટસ્થતા અને પારદર્શકતાના સિદ્ધાંતો દ્વારા સંચાલિત વ્યવસાયિક સંસ્થા તરીકે એની પ્રતિષ્ઠાને જાળવી રાખશે.