અમદાવાદઃ સ્ટેટ જીએસટીના અધિકારીઓ તપાસપૂર્ણ ન થઈ હોય ત્યાં સુધી મિલક્ત ટાંચમાં લઈ શકાય નહીં. સ્ટેટ જીએસટીના અધિકારીઓએ એક કરદાતાની મિલક્તને ટાંચમાં લેતા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો.
શહેરમાં એસજીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ તાજેતરમાં એક ડીલર સામે તપાસ ચાલુ હોવા છતાં તેની પ્રોપર્ટી એટેચ કરી હતી. કરદાતાએ ગુજરાત હાઇકોર્ટમાં આ નિર્ણયને પડકારતાં હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું કે જ્યાં સુધી જીએસટીની ભરવાપાત્ર રકમ ફાઇનલ ના થાય ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કરદાતાની પ્રોપર્ટીને ટાંચમાં લઈ શકે નહીં. આ ચુકાદાને કારણે કરદાતાઓની પ્રોપર્ટી ઉપર આડેધડ કરવામાં આવતી એટેચ પર રોક લાગી છે.
આ કેસમાં તપાસ ચાલુ હોવા છતાં સ્ટેટ જીએસટીએ ભવિષ્યમાં ઊભી થનારી ટેક્સની જવાબદારીની ધારણા મૂકી ડીઆરસી-07 નામનું ફોર્મ જનરેટ કર્યું હતું. આ ઉપરાંત કરદાતાની મિલકત ટાંચમાં લેવાઈ હતી. કાયદાની જોગવાઇ મુજબ પ્રોપર્ટી એટેચ કરવા માટે જીએસટી કમિશનરની પરવાનગી લેવી પડે છે, જે આ કેસમાં લેવામાં આવી ન હોતી. ગુજરાત હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, ડીઆરસી-07 એ અપીલ ઓર્ડર છે. જે કરદાતાનો અપીલ કરવાનો બંધારણીય હક છે. આમ કરદાતાને અપીલ કરવાનો હક રહ્યો હોય તેવા કિસ્સામાં ડિપાર્ટમેન્ટ કરદાતાની મિલકતોને ટાંચમાં લઈ શકે નહીં. હાઇકોર્ટે ચુકાદો આપતાં સ્ટેટ જીએસટી વિભાગે મિલકતો પર મારેલી પ્રોવિઝનલ ટાંચ રદ કરવાનો આદેશ આપ્યો હતો અને કરદાતાને તેના બંધારણ હક પ્રમાણે અપીલમાં જવાની તક આપવાનો ઓર્ડર કર્યો હતો. આ ચુકાદા પ્રમાણે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કરદાતાની પ્રોપર્ટીને જપ્ત કરીને તેના પર બોજો મુકવામાં આવે છે તેની ઉપર રોક લાગશે અને ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતી એક તરફી કાર્યવાહીથી કરદાતાઓને મુશ્કેલીમાંથી છૂટકારો મળશે.સંખ્યાબંધ કેસમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ બિનજરૂરી રીતે કરદાતાની મિલકતો ટાંચમાં લેતો હોય છે.