ભારતમાં વર્ષ 2025 સુધીમાં ટીબીની બિમારીને નાબુદ કરાશેઃ કેન્દ્ર સરકાર
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો હાલ કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. જો કે, ભારત માત્ર કોરોના જ નહીં પરંતુ અન્ય ગંભીર બીમારીઓને પણ નાબુદ કરવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. દરમિયાન આગામી 37 મહિનામાં જ ક્ષય રોગને નાબુદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડો. ભારતી પવારે જણાવ્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ટકાઉ વિકાસના લક્ષ્યાંકો કરતાં 5 વર્ષ વહેલા 2025 સુધીમાં ભારતમાં TB નાબૂદ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાનો વ્યક્ત કરી છે. હવે ટીબીને પ્રાથમિક આરોગ્યના ભાગરૂપે જોવામાં આવે છે. નવી ટીબીરોધક દવાઓ અને પદ્ધતિઓ તથા કાર્યક્રમોની રજૂઆતનો ઉલ્લેખ કરી તેમણે સંશોધન અને વિકાસના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કોરોના છતાં ભારતે ઝડપી ડાયગ્નોસ્ટિક્સ અને સારવાર સુધી પહોંચવામાં સફળતા મેળવી છે અને ટીબીના દર્દીઓને નાણાકીય અને પોષક સહાય અવિરત ચાલુ છે. ભારતને ક્ષય મુક્ત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોના આરોગ્યને લઈને ચિંતિત સરકાર દ્વારા હોસ્પિટલોની સંખ્યા વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દર્દીઓને યોગ્ય સરવાર અને દવાઓ સરળતાથી મળી રહે તેવી કામગીરી કરાઈ રહી છે.
(PHOTO-FILE)