બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડઃ પાર્થ અને અર્પિતા ચેટર્જીની 46.22 કરોડની સંપતિ જપ્ત
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમની સહાયક અર્પિતા ચેટર્જીની રૂ. 46.22 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં તપાસનીશ એજન્સીઓ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર શિક્ષક કૌભાંડમાં સંડોવાયેલા પાર્થ ચેટર્જી 21 સપ્ટેમ્બર સુધી CBI રિમાન્ડ પર છે. ચેટર્જી અને તેમની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 23 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ ફ્લેટમાંથી ઝવેરાત અને અન્ય સંપત્તિ સહિત લગભગ 50 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.
EDએ જણાવ્યું હતું કે ટાંચ કરાયેલી મિલકતોમાં એક ફાર્મહાઉસ, ફ્લેટ અને કોલકાતામાં સ્થિત ‘પ્રાઈમ લેન્ડ’ જેવી 40 સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 40.33 કરોડ રૂપિયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જપ્ત કરવામાં આવેલી મિલકતો પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની માલિકીની હોવાનું જણાયું હતું. સંલગ્ન ઘણી મિલકતો શેલ કંપનીઓ અને ચેટર્જીના પ્રોક્સી તરીકે કામ કરતી વ્યક્તિઓના નામે નોંધાયેલી હતી.