Site icon Revoi.in

ગુજરાત બોર્ડની ધો.10 અને12ની પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકનમાં ગેરહાજર શિક્ષકોને દંડ કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા લગભગ પૂર્ણ થઈ જતા હવે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના 370થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાની લાખો ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી કરાશે. બીજીબાજુ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપ્યા બાદ સરકારની સમજાવટથી તમામ સંઘોએ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો છે, પરંતુ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે બહિષ્કાર ચાલુ રાખ્યો છે. જેને લઈને બોર્ડે પરિપત્ર કરીને જણાવ્યું છે કે મધ્યસ્થ મૂલ્યાંકનમાં ગેરહાજર શિક્ષકને પણ દંડવામાં આવશે અને સ્કૂલોને પણ દંડવામાં આવશે.

શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકો ઉત્તરવહી તપાસવા ગેરહાજર રહે તો શિક્ષકે 3000 દંડ બોર્ડમાં જાતે ભરવાનો અને શાળામાંથી શિક્ષણ બોર્ડની ઉત્તરવહી તપાસણી કાર્યક્રમમાં ગેરહાજર રહે તો શાળામાં ચાલતા વર્ગોની સંખ્યા પર તેમની ગેરહાજરી બદલ શાળાને પણ દંડ ભરવાનો રહેશે. શિક્ષકો હાજર ના રહે તેમાં સંચાલકોનો શું વાંક છે. બોર્ડ પરિણામ આધારિત ગ્રાન્ટ આપે છે જેના કારણે પૂરતી ગ્રાન્ટ મળતી નથી. બીજી તરફ આટલી મોટી દંડની રકમ રાખવામાં આવી તો સંચાલકો કેવી રીતે ભરી શકશે.સંચાલકોની હાલત ખાતા વગરના પ્રધાન જેવી થઇ ગઈ છે.સંચાલકોનો કોઈ રોલ ના હોવા છતાં શિક્ષકની ગેરહાજરીનો દંડ ભરવો પડશે.

ગુજરાત શિક્ષણ બોર્ડે આજે માધ્યમિક શિક્ષક સંઘને પણ પરિપત્ર કરીને ચેતવણી આપતા સ્પષ્ટતા કરી છે કે બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કામગીરી માટે જે શિક્ષકોને સ્કૂલમાંથી મુક્ત કરવામાં આવે તેવા શિક્ષકે મૂલ્યાંકન કેન્દ્ર ખાતે ફરજીયાત ફરજ નિભાવવની રહેશે અન્યથા તેઓની ફરજ પરની ગેરહાજરી ગણવામા આવશે. બોર્ડે જણાવ્યું છે કે વિનિયમોનું ખોટુ અર્થઘટન કરીને શિક્ષક સારસ્વત સમાજમાં ભય ફેલાવવા બહાર પાડવામા આવેલ છે.