ગ્રાન્ટેડ કોલેજોના 2006 પહેલા નિમણૂંક થયેલા અધ્યાપકોને પણ સળંગ નોકરીનો લાભ આપવા માગ
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા 2006 પહેલા ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની સેવા સળંગ કરવાનો નિર્ણય કર્મચારીઓએ આવકર્યો છે. પરંતુ રાજ્ય સરકારના નિર્ણયથી રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં જોડાયેલા તમામ અધ્યાપક સહાયકોને બાકાત રાખવામાં આવ્યા છે. અધ્યાપકો બાકાત રહેતા નારાજગી જોવા મળી છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરવામાં આવશે. અને રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ 2006 પહેલા નિમણૂંક પામેલા ગ્રાન્ટેડ કોલેજોના ફિક્સ પગારના અધ્યાપકોની સેવાને પણ સળંગ ગણવાની માગ કરી છે.
ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળના મહામંત્રી રાજેન્દ્ર જાદવે જણાવ્યું હતું કે કોલેજોમાં આધ્યાપકની નોકરી માટે નેટ /સ્લેટ અને પીએચડી જેવી ઉચ્ચ લાયકાત ફરજિયાત હોય છે .આ લાયકાત મેળવવા માટે ઉમેદવારને લાંબો સમય અભ્યાસ કરવો પડતો હોય છે અને પછી તે અધ્યાપકની નોકરી મેળવતો હોય છે. આ નોકરીના શરૂઆતના પાંચ વર્ષ ફિક્સ પગારમાં પસાર કરવા પડે છે.ત્યારબાદ તેમને ફુલ પગારમાં મૂકવામાં આવતા હોય છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા જ્યારે 2006 પહેલાના તમામ કર્મચારીઓને ફિક્સ પગારની સેવા સળંગ કરવામાં આવતી હોય ત્યારે આ પ્રકારના ઉચ્ચ લાયકાત ધરાવતા અધ્યાપક સહાયકોની સેવા સળંગ કરવી જોઈએ.ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્યની 356 જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાં કાર્યરત અધ્યાપક સહાયકોની સેવા સળંગ કરવામાં આવે તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરાશે. રાજ્ય સરકારના 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીઓની સેવાને સળંગ ગણવાનો નિર્ણય આવકારદાયક છે. અને આવો લાભ 2006 પહેલા નિમણૂંક પામેલા ફિક્સ પગારના અધ્યાપકોને પણ આપવો જોઈએ.