અમદાવાદઃ ગુજરાતમાં આજે લેવાયેલી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો શિક્ષકોએ બહિષ્કાર કર્યો હતો. સમગ્ર રાજ્યના બે લાખથી વધુ શિક્ષકોએ સજ્જતા કસોટી સામે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવ્યું હતું. બીજી તરફ સોશિયલ મીડિયામાં ટીકા કરનારા એક શિક્ષકને આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટીસ ફટકારી છે. જો આ શિક્ષક નોટીસનો જવાબ નહીં આપે તો તેની સામે કાર્યવાહી કરાશે એવું પણ નોટીસમાં જણાવવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં ઠેર ઠેર શિક્ષકોનો વિરોધ શરુ થઈ ગયો છે. શિક્ષકો બે વાગ્યે પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા જ નહોતા. તમામ સેન્ટરો ખાલી હતા. ત્યારે પરીક્ષાની પ્રક્રિયા ચાલુ રાખવા તમામ વર્ગમાં બેઠક વ્યવસ્થા પર જ જવાબ માટેની OMR શિટની વહેંચણી કરાઈ હતી.
અમદાવાદના કેન્દ્રો પર શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા આપવા શિક્ષકો આવ્યા નહતા. શહેરના જોધપુર અને વસ્ત્રાપુર કેન્દ્રો ખાલીખમ જોવા મળ્યા હતા.જ્યારે બહુચરાજી, વડોદરા સહિત અનેક કેન્દ્રોમાં પણ શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.. બપોરે બે વાગે પરિક્ષા શરૂ થાય એ પહેલા શિક્ષકોને ભેગા કરવા આણંદ સહિત RSSની ભગિની સંસ્થાના હોદ્દેદારોને શિક્ષણાધિકારીએ નોટિસ આપી છે.બીજી તરફ શહેરોના શિક્ષકોને આજની પરીક્ષામાં બેસાડવા રૂ.4200નો ગ્રેડ પે આપવા શિક્ષણ વિભાગે બેઠક બોલાવી છે.
અમદાવાદમાં ચાંદખેડા પગાર કેન્દ્ર શાળા પર સર્વેક્ષણ માટે કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. 2 વાગ્યાની પરીક્ષા હતી પરંતુ કોઈ શિક્ષક પરીક્ષા આપવા માટે આવ્યા નહતા. સ્કૂલમાં 37 શિક્ષકોના સીટ નંબર અને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે..પરીક્ષા વિભાગના કર્મચારીઓ સિલ બંધ પેપર લઇને સ્કૂલ પર પહોંચ્યા હતા. પરંતુ શિક્ષક ના હોવાથી ઉપરથી સૂચના આવે તેની રાહ જોઈ રહ્યા હતાં. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકો દ્વારા પોતાની સજ્જતાની કસોટી આપવાનો વિરોધ કર્યો હતો. જ્યારે જિલ્લા પંચાચત સંચાલિત શાળાના શિક્ષકોના ચાલતા બે સંઘો પૈકી એક સંઘ દ્વારા કસોટી આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના 900 શિક્ષકો દ્વારા શિક્ષક સજ્જતાની પરિક્ષાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે શિક્ષકો રાવપુરા સ્થિત સમિતીની સ્કૂલ ખાતે એકઠા થયા હતા. શિક્ષક સજ્જતાની પરિક્ષાનો બહિષ્કાર કર્યો હતો. શિક્ષકોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા અંગે પરિક્ષા લઇને શિક્ષકોનું અપમાન કરી રહી છે. શિક્ષકોને પોતાની સજ્જતાની પરીક્ષા આપવાની જરૂર નથી.તો બીજી બાજુ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતીના 954 શિક્ષકો દ્વારા પરિક્ષા આપવા માટે તૈયારી બતાવી હતી.
સુરત શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા મામલે આજે સુરત પાલિકા સંચાલિત શાળાના શિક્ષકોએ નગર પ્રાથમિક શાળાઓ બહાર ભેગા થઈ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં અન્ય શહેરોમાં શિક્ષક સંઘ પરીક્ષા આપે છે,પરંતુ સુરત શહેરમાં બહિષ્કાર કરી તમામ શિક્ષકો લડતમાં જોડાયા છે. લગભગ 4000 શિક્ષકો પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.