અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે સરકાર સામે હવે સરકારી વિભાગોના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે મોરચો માંડ્યો છે. આગામી પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરાયું છે. ત્યારે પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકો શિક્ષક દિવસને કાળા દિવસ તરીકે ઊજવશે.વર્ષોથી કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટેની જાહેરાત થઈ પરંતુ અમલ ના થયો તથા કેટલાક પ્રશ્નો અંગે હજુ કોઈ નિરાકરણ ના આવતા હવે અધ્યાપકોએ કાળા દિવસની ઊજવણી કરવાનો નિણર્ય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓના ભવનો અને કોલેજોમાં પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકોએ પોતાના પડતર પશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગત.તા.30 માર્ચ 2017એ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખંડ સમયના પ્રાધ્યાપકોને મેરીટ અને સિન્યોરીટીના આધારે કાયમી પૂર્ણ સમય કરવાની જાહેરાત કરી હતી. વિધાનસભામાં કરેલી જાહેરાતના 5 વર્ષ બાદ પણ તેનો અમલ થતો નથી.અનેક વખત રજુઆત કરી છતાં રજૂઆતોને કોઈ ધ્યાને લેતું નથી. છેલ્લા 24 વર્ષથી નોકરી પછી માત્ર 6000થી 19500 રૂપિયાના ફિક્સ પગાર આપીને આર્થિક શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પાર્ટ ટાઈમ અધ્યાપકો શિક્ષણ દિવસને કાળા દિવસ તરીકે ઊજવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી તા. 5મી સપ્ટેમ્બરે અધ્યાપકો કાળા વસ્ત્રો પહેરીને શિક્ષણકાર્ય કરશે. જ્યાં સુધી પાર્ટ ટાઈમના અધ્યાપકોને 30 માર્ચ 2017ના ઠરાવ મુજબ કાયમી કરવામાં નહિ આવે ત્યાં સુધી કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણકાર્ય કરશે. 5 સપ્ટેમ્બરે અધ્યાપકો ઉપરોક્ત કાર્યક્રમો સિવાય પણ એક કરતાં વધુ આશ્ચર્યજનક રચનાત્મક કાર્યક્રમ આપશે.