ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ જાહેર કરેલા ઉનાળું વેકેશન સામે અધ્યાપકોએ દર્શાવી નારાજગી,
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા તા. 1લી મેથી 15મી જુન સુધી દોઢ મહિનાના ઉનાળું વેકેશન જાહેર કરાતા ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અધ્યાપકોએ એવી રજુઆત કરી છે કે, હાલમાં જ લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયેલ હોવાથી 7 મે, 2024 સુધી મોટાભાગના અધ્યાપકો વિવિધ પ્રકારની ચૂંટણી કામગીરીમાં રોકાયેલ હશે. તેથી વેકેશનની તારીખમાં સુધારો કરવો જોઈએ.
ગુજરાચ ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા 30/12/2023નાં રોજ જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડરમાં ઉનાળુ વેકેશનનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હતો. જેથી ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા GTUનાં કુલપતિને પત્ર લખીને વેકેશન જાહેર કરવા રજૂઆત કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને GTU દ્વારા તા. 01/05/2024 થી 15/06/2024 સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે, પરંતુ અધ્યાપકો આ વેકેશનને સહમત ન થતાં આજે GTUમાં ફરી એકવાર રજૂઆત કરવા ગયા હતા.
GTUએ જાહેર કરેલા વેકેશનથી અધ્યાપકો સહમત નથી. કારણ કે, હાલમાં જ લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયેલ હોવાથી 7 મે, 2024 સુધી મોટાભાગના અધ્યાપકો વિવિધ પ્રકારની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હશે. બીજા પ્રોગ્રામના અડધા શૈક્ષણિક સત્ર તા.25/05/2024ના પૂર્ણ થઇ રહ્યા છે. જેથી LD કોલેજ તેમજ VGEC કોલેજના આશરે 100 જેટલા અધ્યાપકોએ GTUમાં જઈ વેકેશનની તારીખો અંગે પોતાની નારાજગી દર્શાવી હતી, તેમજ મંડળનાં હોદ્દેદારો GTUનાં કુલપતિ અને રજીસ્ટારને રૂબરૂ મળી વેકેશનની તારીખોમાં સુધારાની રજૂઆત કરવામાં આવી છે.
અધ્યાપકોએ એવી રજુઆત કરી હતી કે, લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરી તા.04/06/2024ના રોજ છે. ત્યાર બાદ જ યુનિવર્સિટીની સમર સત્રની પરીક્ષાનું આયોજન કરી શકાશે. 01/07/2024થી નવું શૈક્ષણિક સત્ર શરુ થવાની શક્યતા રહેલી છે. જેથી GTU દ્વારા AICTE માર્ગદર્શિકા મુજબ તા. 13/05/2024 થી 29/06/2024 સુધી (7 અઠવાડિયા) ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવે તેવી માંગણી છે.