અમદાવાદમાં પાંચ કેન્દ્રો ઉપર શિક્ષકોએ પરીક્ષા ખંડના સીસીટીવી કેમેરાનું મોનીટરિંગ શરુ કર્યું
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે બોર્ડ દ્વારા પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત પરીક્ષા ખંડમાં નિરીક્ષકો ઉપરાંત બોર્ડના અધિકારીઓ પણ સરપ્રાઈઝ ચેકીંગ કરે છે. તા.14મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને તા. 28મી માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. દરમિયાન તા. 14 અને 15મી માર્ચના પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી કેમેરાના ફુટેજનું મોનિટરિંગ શરુ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ પાંચ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાના ફુજેટ ચેક કરવામાં આવી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બોર્ડની પરીક્ષામાં ગેરરીતી કરતા પકડાવનારા વિદ્યાર્થીઓ સામે પ્રતિબંધ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડોમાં લગાવવામાં આવેલા સીસીટીવીની ફુટેજની સીડી તૈયાર કરીને સેન્ટરો પર મોકલવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 3 અને ગ્રામ્યમાં 2 સેન્ટર પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન શહેર અને ગ્રામીણ એમ અલગ અલગ ચકાસણી કેન્દ્રોનું આયોજન કરાયું છે. ગ્રામીણ ક્ષેત્રમાં જે પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓના ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજની ચકાસણી 2 સેન્ટરો પર કરાઈ રહી છે. 14-15 માર્ચ દરમિયાન લેવાયેલી પરીક્ષાના CCTV ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શંકાસ્પદ વિદ્યાર્થીઓને આગામી સમયમાં ખુલાસા માટે બોલાવાશે. વિદ્યાર્થીઓ અધિકારીઓ સામે સંતોષકારક જવાબ નહીં આપે તો કાર્યવાહી કરાશે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી કરતા પકડનારા વિદ્યાર્થીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.