જૂનાગઢઃ શિક્ષકો બાળકોથી લઈને યુવાનોને શિક્ષણ આપવા ઉપરાંત સમાજ ઘડતર અને સામાજિક જાગૃતિ માટે પણ કાર્ય કરતા હોય છે. જિલ્લાના શિક્ષકોએ કોરોનાની રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ આણવી તેમજ કોરોનાની ચેઈન તોડવા માટે સોશ્યલ ડિસ્ટન્સ, વગેરે માટેનું અભિયાન આદર્યુ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લોકોમાં કોરોના અંગે જનજાગૃત્તિ માટે શિક્ષકોનો વેબીનાર કરવામાં આવ્યો હતો જેમાં જનજાગૃત્તિ અભિયાન શરૂ કરવા જણાવાયું હતું.
જૂનાગઢ જિલ્લમાં દરરોજ 10,000 શિક્ષકો 5 પરિવારને ફોન કરી તેના ખબર અંતર પૂછવા સાથે કોરોના વેક્સિનનું મહત્વ સમજાવે છે. ખાસ કરીને કોરોનાથી બચવા માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, સતત હાથ ધોતા રહેવા, સેનેટાઇઝ કરતા રહેવા તેમજ બિનજરૂરી રીતે બહાર ન જવા સમજાવાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ લોકોમાં કોરોના જનજાગૃતિ લાવવા પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવા જણાવાયું હતું જેના ફળસ્વરૂપે અત્યાર સુધીમાં 5,00,000 વિદ્યાર્થીઓએ પોતાના સગા સબંધીને પોસ્ટ કાર્ડ લખી કોરોના અંગે જાગૃત કરી વેક્સિન લઇ કોરોનાની ચેઇન તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાના દાદા,દાદીને પોસ્ટકાર્ડ લખ્યો હતો જેમાં જણાવાયું હતું કે, નજીકના દિવસોમાં જ મારો જન્મ દિવસ છે. તમે કોરોના રસી લઇ લ્યો તે જ મારી બર્થડે ગિફ્ટ છે. આમ, કોરોના સામે રસીકરણ અંગે જનજાગૃત્તિ ફેલાવવામાં બાળકો પણ ચોટદાર સંવાદો સાથે પોસ્ટકાર્ડ લખી રહ્યા છે જેથી અનેક પરિવારજનો જાગૃત બની વેક્સિન લઇ રહ્યા છે.