અમદાવાદઃ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવી ન જોઈએ તેવી ચર્ચાઓ થાય છે, છતાં શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપાવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ. સ્કુલ બોર્ડ સંચાલિત શાળાઓને શિક્ષકોને કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલમાં દર્દીઓની નોંધણીથી લઈને અનેક કામગીરી સોંપવામાં આવી હતી. હવે કોરોના કાળ બાદ શિક્ષકોને વેક્સિન લેવા માટે લોકોને સમજાવવાની કામગીરી સોંપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. સ્કૂલોના શિક્ષકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ ન લેનારા શહેરીજનોને ફોનથી સમજાવવાની જવાબદારી સોંપાઇ છે. વેકેશન દરમિયાન દરેક શિક્ષકોને રોજ 150 લોકોને ફોન કરી બીજો ડોઝ લેવાના ફાયદા સમજાવવા કહેવાયું છે. એક અઠવાડીયામાં 2500 શિક્ષકે વેક્સિનનો બીજો ડોઝ ન લેનારા 5 લાખ લોકો સુધી પહોંચવાનો ટાર્ગેટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આપ્યો છે. વેકેશન દરમિયાન ફોન કરવાની કામગીરી સોંપાતા શિક્ષકોમાં વિરોધ ઊભો થયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં શિક્ષકો પાસે સરવેની કામગીરીથી લઇને હોસ્પિટલો સુધીની કામગીરી કરાવાઇ હતી. જ્યારે કોલેજોના પ્રોફેસરોને મોટાભાગની કામગીરીથી દૂર રખાયા હતા. હવે જ્યારે શિક્ષકો વેકેશનમાં પોતાના વતનમાં છે ત્યારે દરેક શિક્ષકોને કોરોનાની રસીનો બીજો ડોઝ લેવા માટે લોકોને સમજાવવાની જવાબદારી સોંપાઇ છે. શિક્ષકોના કહેવા મુજબ નિયમ પ્રમાણે શિક્ષકોને વેકેશનમાં કામગીરી ન સોંપી શકાય. ઉપરાંત અત્યાર સુધી શિક્ષકોએ કોરોના મહામારી દરમિયાન ઘણી કામગીરી કરી છે. છતા પણ શિક્ષકોને હવે ટેલિકોલર બનાવ્યા છે. એક અઠવાડીયા સુધી ચાલનારી આ પ્રક્રિયામાં શિક્ષકોનો આખો દિવસ પસાર થશે. તેની સામે શિક્ષકોને રજા મળશે કે કેમ તેની પણ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. વિરોધ થતો નથી એટલે શિક્ષકોને કોઇપણ કામગીરીમાં જોડી દેવામાં આવે છે.
સૂત્રએ ઉમેર્યું હતું કે, ફોન કરવા દરમિયાન શિક્ષકોએ લોકોની સંખ્યા, ફોન રિસિવ કરનારની સંખ્યા, બીજો ડોઝ લીધો ન હોય તેની સંખ્યા, બીજો ડોઝ કઇ તારીખે લેશે તેની સંભવિત તારીખની માહિતી વગેરે ડેટા કોર્પોરેશનને આપવાનો રહેશે. આ ઉપરાંત વ્યક્તિ જો ફોન રિસિવ ન કરે તો જ્યાં સુધી ફોન રિસિવ ન કરે ત્યાં સુધી ફોન કરવા પણ જણાવાયું છે. ઉપરાંત વ્યક્તિ વેક્સિનનો બીજો ડોઝ લે ત્યાં સુધીનું ફોલોઅપ શિક્ષકોને કરવાની સૂચના અપાઇ છે.