Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.સ્કુલ બોર્ડના શિક્ષકો પેન્શન સહિતના વણઉકેલ્યા પ્રશ્નો સામે લડતનું રણશિંગુ ફૂંકશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરકારી કર્મચારીઓ પેન્શન સહિતના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આંબેડકર જ્યંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો સારંગપુર ખાતેની પ્રતિમા પાસે એકઠા થઈ વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા શિક્ષકોને પોલીસે અટકાવ્યા હતા.

અમદાવાદ શહેરના સારંગપુરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મ્યુનિના શિક્ષકોએ ભેગા થઈ બેનર સાથે પડતર પ્રશ્નોને લઈને વિરોધ કર્યો હતો. શિક્ષકોની માંગ છે કે તમામ શિક્ષકોને જુની પેન્શન યોજના પ્રમાણે પેન્શન આપવામાં આવે. જિલ્લાના શિક્ષકોની જેમ 4200 ગ્રેડ પે આપવામાં આવે અને સાતમા પગાર પંચનો લાભ તાત્કાલિક ધોરણે આપવામાં આવે. શિક્ષકો રોડ પર વિરોધ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમને રોકીને વિરોધ પ્રદર્શન કરતાં અટકાવ્યાં હતાં.

અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે મ્યુનિના શિક્ષકોને પેન્શન સહિતના લાભ તેમજ અન્ય  પ્રશ્નો ન ઉકેલાતા શિક્ષકોને મુશ્કેલી પડે છે. સમાન કામ છે છતાં શિક્ષકોના વેતનમાં ફેરફાર છે. અમારી માંગણીઓને લઈને અમે રજુઆત કરી છે છતાં માંગણીઓ પુરી નહીં થાય તો રાજ્યના 1.50 લાખ શિક્ષકો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓ અને શિક્ષકો પણ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે. રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષકોને જેટલો લાભ મળે છે, તેટલો લાભ મ્યુનિ.ના શિક્ષકોને મળતો નથી. જિલ્લાના શિક્ષકોને 4200 પે ગ્રેડનો લાભ આપવામાં આવ્યો છે પરંતુ મ્યુનિ.ના શિક્ષકો આ લાભથી વંચિત છે. સમાન કામ હોવા છતાં મ્યુનિ.ના શિક્ષકોને અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે. આથી મ્યુનિ. શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.