ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલીઓ યોજીને સૂત્રોચ્ચાર કર્યો
અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોનું આંદોલન મહિનાઓથી ચાલી રહ્યું છે. જે કે સરકારે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. પણ મહત્વના પ્રશ્નોનો ઉકેલ ન આવતા શિક્ષકોમાં અસંતોષ વ્યાપેલો છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો, કર્મચારીઓ અને સંચાલકોના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાતુ નથી. જેને લઇને શિક્ષકો, સંચાલકો ભેગા થઈને સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનના 8 તબક્કા પૂર્ણ થતાં શનિવારે શિક્ષકોએ મૌન રેલી યોજી હતી. હાથમાં પ્લેકાર્ડ સાથે શિક્ષકોએ 1 કિમી સુધી ચાલીને રેલી યોજી હતી. અમદાવાદ ઉપરાંત રાજ્યના મહાનગરોમાં પણ શિક્ષકોની રેલીઓ યોજાઈ હતી. જેમાં વડોદરામાં પોલીસે બળ પ્રયોગ કરીને રેલીને અટકાવીને શિક્ષકોની અટકાયત કરી હતી.
રાજ્યના ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો, આચાર્ય અને સંચાલકોની બેઠક અગાઉ મળી હતી. આ બેઠકમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.અગાઉ તમામે સાથે મળીને આવેદન પત્ર આપી, પત્ર લખીને, કાળા કપડાં પહેરી, કાળી પટ્ટી બાંધી, રામધૂન અને થાળી વગાડી કરીને વિરોધ કર્યો હતો. અલગ અલગ આંદોલનના 8 તબક્કા પૂર્ણ થતાં સરકારને અસર થઈ નથી, જેના પગલે શનિવારે નવમા તબક્કે શિક્ષકોએ ઉસ્માનપુરા એરોમા કૉલેજથી 1 કિમી સુધીની રેલી યોજી હતી.આ રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. તમામ શિક્ષકોએ હાથમાં પ્લેકાર્ડ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે વડોદરાના વિવિધ શૈક્ષણિક સંગઠનોની સમિતિએ રેલી કાઢવાની જાહેરાત કરી હતી.રેલી નીકળે તે પહેલા જ જોકે પોલીસે સંકલન સમિતિના આર સી પટેલ, અશ્વિન ગોહિલ, ભરત ઉપાધ્યાય, ધમેન્દ્ર જોષી, કિરણ પટેલ, અંકિત શાહ, પિન્કલ રામી સહિત 15ની અટકાયત કરી હતી.તેમને કારેલીબાગ પોલીસ મથકે લઈ જવાયા હતા અને બાદમાં મુકત કરાયા હતા.આમ છતા મોટી સંખ્યામાં હાજર શિક્ષકોએ રેલી ચાલુ રાખી હતી .રેલી મુકતાનંદ ત્રણ રસ્તા સુધી પહોંચવાની હતી પણ તે પહેલા જ પોલીસે બળપ્રયોગ કરીને રેલીને વિખેરી કાઢી હતી.
ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો 1લી એપ્રિલ, 2005 પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટે, લીવ એન્કેશમેન્ટનો લાભ આપવા માટે તથા શાળાઓમાં કર્મચારીઓ અને શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવા જેવા વિવિધ મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે. અને આગામી સમયમાં પણ શિક્ષકો દ્વારા આંદોલન ચાલુ રહેશે. શનિવારે રાજ્યભરના શિક્ષકો દ્વારા સ્કૂલના સમય બાદ 4 વાગે મૌન રેલી કરી પ્લે કાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.