રાજ્યમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકોને હાર્ટ એટેકમાં કેસમાં ત્વરિત સારવારની CRP તાલીમ અપાઈ
અમદાવાદઃ ગુજરાતમાં હાર્ટ એટેકના સમયે દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓને સીઆરપી તાલીમ આપ્યા બાદ રવિવારે શાળાના શિક્ષકોને પણ સીઆરપી તાલીમ આપવામાં આવી હતી. અમદાવાદ, સુરત, વડાદરા, ભાવનગર સહિત તમામ શહેરોમાં સરકારી હોસ્પિટલના તબીબોએ શિક્ષકોને સીઆરપી તાલીમ આપી હતી.
રાજ્યભરમાં હાર્ટ-એટેકના વધેલા કિસ્સાને કારણે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ-એટેકને કારણે મોતના કિસ્સા વધ્યા છે. આ સ્થિતિમાં વિવિધ ક્ષેત્રોને આવરી લઈને CPRની તાલીમ આપવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્ય સરકારના નિર્ણયને આધીન અમદાવાદ, વડાદરા, રાજકોટ અને સુરત સહિત તમામ શહેરોમાં શાળાના શિક્ષકોને CPRની તાલીમ આપવામાં આવી હતી.
આ અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રવિવારે સમગ્ર ગુજરાતમાં ડોક્ટર સેલની ટીમ અને 2 લાખ શિક્ષકોને CPRની તાલીમ અપાઇ છે. આ તાલીમમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ ઇમર્જન્સીમાં કઈ રીતે લોકોને તાત્કાલિક સારવાર આપી જીવનદાન આપી શકાય તે હેતુસર આ તાલીમ અપાઈ છે. રવિવારના દિવસે પણ તમામ શિક્ષકો આ પવિત્ર યંજ્ઞમાં જોડાયા તેના માટે હું તમામ શિક્ષકોને અભિનંદન પાઠવું છું. એકાદ વ્યક્તિનું જીવન જો આ ટ્રેનિંગથી વર્ષ દરમિયાન બચી જાય તો પણ આપણી ટ્રેનિંગ સફળ જશે.
રાજ્યમાં હાર્ટ-એટેકના વધતા પ્રમાણને પગલે રાજકોટની સરકારી શાળાના શિક્ષકોને CPR તાલીમનું આયોજન કરાયુ હતું. શિક્ષકોને સેમિનાર મારફત CPRની સમજ અને ત્યારબાદ કોઈ વ્યક્તિને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હોય તો તે દર્દીને કાર્ડિયોપલ્મોનરી રિસેસિટેશનની પ્રક્રિયાથી બચાવવા માટે ડેમો બતાવાયો હતો. જ્યારે કોઈના શ્વાસ કે ધબકારા બંધ થઈ જાય ત્યારે દર્દીને મોઢેથી શ્વાસ આપી અને છાતી વચ્ચે હથેળીથી દબાણ આપીને તેનો જીવ બચાવવાની પ્રક્રિયાને CPR કહેવામાં આવે છે. રાજકોટની PDU મેડિકલ કોલેજ દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી હતી. જેમાં આજે એક જ દિવસમાં 2,700 શિક્ષકોને તાલીમ અપાઈ હતી.