Site icon Revoi.in

શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

Social Share

ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરને  શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજીવન શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની 135મી જન્મજયંતિએ તેમના તૈલચિત્રને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડૉ.રાધાકૃષ્ણનના મહાન પ્રદાન માટે તેમને ભારત રત્ન તેમજ અન્ય અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ એક મહાન તત્તવચિંતક, વિચારક, શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા હતા. મદ્રાસ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યા બાદ દેશની અનેક યુનિવર્સિટીઓમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર અને છેવટે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. તેઓ ઓક્સફર્ડ તેમજ શિકાગોની ખ્યાતનામ યુનિવર્સિટીઓમાં પણ ભારતીય દર્શનશાસ્ત્રના અધ્યાપક હતા. 

તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા છે. કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. શિક્ષકના આ મહત્વને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે શિક્ષક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ દિવસ શાળાના વિદ્યાર્થીઓ માટે ઉજવણીનો દિવસ છે. આ દિવસે બાળકો શિક્ષકોને ચોકલેટ, મીઠાઈ અને અન્ય શુભેચ્છાઓ પણ આપે છે. આ દિવસે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો માટે શાળાઓ અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. વરિષ્ઠ વિદ્યાર્થીઓ ઘણીવાર શિક્ષકની જેમ પોશાક પહેરે છે અને વર્ગો સંભાળે છે