ગાંધીનગરઃ રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જ્ઞાન સહાયકમાં ટેટ 2 ( ટીચર્સ એલિઝિબિલીટી ટેસ્ટ-2) પાસ કરેલા ઉમેદવારોને લાયક ગણવામાં આવે છે, ત્યારે ટેટ- 1 પાસ કરેલા ઉમેદવારોને પણ લાયક ગણીને જ્ઞાન સહાયક તરીકે સમાવેશ કરવા શિક્ષક સંઘે માંગણી કરી છે.
રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ધોરણ 1થી 12ના અનેક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. હાલ પ્રવાસી શિક્ષકની ભરતી કરીને કામગીરી આગળ વધારવામાં આવતી હતી. હવે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જેમાં ટેટ-2ની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે. જેને લઈને પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખીને જણાવ્યું છે કે, પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાનો ઠરાવ થયો છે. આ ઠરાવમાં શૈક્ષણિક લાયકાતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ 2ની પરીક્ષા પાસ હોય તે ઉમેદવારોને પર્સન્ટાઇલ રેન્કના આધારે પસંદગી કરવામાં આવે છે. ત્યારે ટેટ-1ની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનો પણ સમાવેશ કરવો જાઈએ.
શિક્ષક સંઘે શિક્ષણ મંત્રીને કરેલી રજુઆતમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા RTE એક્ટ મુજબ પ્રાથમિક વિભાગમાં ધોરણ 1થી 5માં શિક્ષક થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા HSC, PTI અને ટેટ 1ની પરીક્ષા પાસ કરવાની લાયકાત હોવી જરૂરી છે. જ્યારે ટેટ 2એ માત્ર 6થી 8 ધોરણ માટેના શિક્ષક તરીકેની લાયકાત માટે જરૂરી છે. રાજ્યમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ પ્રાથમિક વિભાગની છે, ત્યારે જ્ઞાન સહાયકની ભરતીમાં ટેટ 2ની સાથે ટેટ 1ની લાયકાતનો સમાવેશ થાય અને ત્યારબાદ ઠરાવના આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.