ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં લાપરવાહી દાખવનારા શિક્ષકોને દંડ કરવામાં આવતો હોય છે. ગત વર્ષે લેવાયેલી ધોરણ 12 સાયન્સના કેમિસ્ટ્રીના પેપરની ચકાસણીમાં ભૂલ કરનારા શિક્ષકોને દંડની કાર્યવાહી કરાઈ છે, જેમાં એક શિક્ષકને 270 ભૂલ માટે 54 હજાર, જ્યારે અન્ય એક શિક્ષકને 330 ભૂલ કરવા બદલ 66 હજારનો દંડ કરાયો છે. શિક્ષકોએ પોતાની ભૂલ પણ સ્વીકારી લીધી છે અને દંડની રકમ પણ ભરવાની તૈયારી કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ-12 સાયન્સની ઉત્તરવહીઓના મુલ્યાંકનમાં શિક્ષકોએ પ્રશ્નોની યોગ્ય ચકાસણી ન કરતા માત્ર સહી કરી હતી. આ ગંભીર ભૂલને બોર્ડે તપાસમાં પકડી હતી અને તેને દંડ ફટકાર્યો છે, પરંતુ આ ભૂલની અસર વિદ્યાર્થીઓના પરિણામ પર થઈ ન હોવાનો બોર્ડનો દાવો છે. બોર્ડની પરીક્ષા બાદ શિક્ષકો દ્વારા વિવિધ મૂલ્યાંકન કેન્દ્રો પર પેપરની તપાસ થાય છે, જેમાં દરેક શિક્ષકે બોર્ડે નક્કી કરેલા નિયમ પ્રમાણે પેપરની તપાસ કરવાની હોય છે, પરંતુ ઘણા શિક્ષકો બોર્ડ જેવી મહત્ત્વની પરીક્ષાના પેપરમાં પણ યોગ્ય કામગીરી કરતા નથી. બોર્ડ પરિણામ તૈયાર કરતાં પહેલાં ઉત્તરવહીઓનું કુલ ગુણ, દરેક પ્રશ્નના ગુણ ગણતરીમાં લીધા છે કે નહીં તેની તપાસ કરે છે. ત્યાર બાદ પરિણામ તૈયાર થાય છે. ઉપરાંત વિદ્યાર્થી પેપર ખોલાવે ત્યારે થતા ગુણમાં ફેરફારને પણ મુખ્ય પરિણામમાં ગણતરીમાં લેવાય છે. વિજ્ઞાનપ્રવાહમાં શિક્ષકોએ પેપર ચકાસણી દરમિયાન કરેલી 1 ભૂલ સામે રૂ. 200નો દંડ કરાય છે. જેટલા ગુણની ભૂલ તેમાં 200 ઉમેરતાં કુલ દંડની રકમ નક્કી થાય છે. શિક્ષકો પેપર તપાસ દરમિયાન કાળજી રાખે એ માટે શિક્ષકોની ભૂલ સામે દંડ લેવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિજ્ઞાનપ્રવાહની જેમ જ સામાન્ય પ્રવાહમાં પેપર ચકાસણીમાં ભૂલ કરનારા 2300 શિક્ષકોને દંડ કરાયો છે. આ દંડની રકમ 15-20 હજાર સુધીની છે. તમામ શિક્ષકોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાશે, ત્યાર બાદ બોર્ડ દંડ અંગેનો અંતિમ નિર્ણય કરશે. સંચાલકોમાં પરીક્ષાના પેપર ચકાસણીમાં ભૂલ બદલ શિક્ષકો પર થતી દંડની કાર્યવાહીનો વિરોધ છે, કારણ કે ખાનગી સ્કૂલોના શિક્ષકો પેપર તપાસમાં જોડાતા નથી. આથી સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો પર પેપર તપાસમાં વધારો ભાર રહે છે.