રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ પહેલા શિક્ષકોને બદલીની તક, ખાલી જગ્યાઓ ઓનલાઈન મુકાઈ
ગાંધીનગરઃ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ પહેલા જ પ્રાથમિક શાળાના શિક્ષકોને બદલીની તક આપવામાં આવશે. પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસહાયકોની માગણી મુજબની બદલીઓ કમ્પ્યુટર પદ્ધતિએ ઓનલાઇન દર્શાવવામાં આવશે. જેથી તા. 12મી જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન મુકવામાં આવશે. તારીખ 14 જૂનના બપોરના બાર વાગ્યાથી 16 જૂનના રાતના 11.59 વાગ્યા સુધી શિક્ષક કે વિદ્યા સહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરવાની રહેશે. આ માટેની તમામ માહિતી આ વેબસાઈટ www.dpegujarat.in પર જોવા મળશે.
પ્રાદેશિક શિક્ષણ નિયામક કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લા આંતરિક બદલીની જોગવાઈઓ મુજબ પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસહાયકોની માગણી મુજબની બદલીઓ કોમ્પ્યુટર પદ્ધતિએ ઓનલાઇન કરવાનું નિયત કરવામાં આવ્યું છે જે મુજબ 12 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન મુકવામાં આવશે. ત્યારબાદ 13 જૂનના રોજ ખાલી જગ્યાઓની ચકાસણી કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે. તારીખ 14 જૂનના બપોરના બાર વાગ્યાથી 16 જૂનના રાતના 11.59 વાગ્યા સુધી શિક્ષક કે વિદ્યા સહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરવાની રહેશે. આ માટેની તમામ માહિતી આ વેબસાઈટ www.dpegujarat.in પર જોવા મળશે. તા.17થી 19 જૂન દરમિયાન તાલુકા દ્વારા અરજી ફોર્મની ચકાસણી કરીને જિલ્લા કક્ષાએ મંજૂરી અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી કરવામાં આવશે. તારીખ 20 જૂન થી 22 જૂન દરમ્યાન જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરીને મંજૂર કે નામંજૂર કરીને મંજૂર થયેલી અરજીઓ અપલોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તારીખ 22 જૂનથી 26 જૂન દરમિયાન ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ કરવામાં આવશે. તા.27 અને 28 જૂને ઓનલાઇન શિક્ષક અને વિદ્યાસહાયકોએ આંતરિક બદલીના હુકમો મેળવી લેવાની કામગીરી કરવામાં આવશે. વેબસાઈટ ઉપર પાસવર્ડથી લોગીન થવાનું રહેશે અને પાસવર્ડ બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કરેલ છે તેઓ પૈકી છૂટા ન થયા હોય તે કિસ્સામાં શિક્ષકોની હાલની જગ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને જે શાળામાં ફાળવણી કરવામાં આવી છે તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે. જો ક્યાંય અદાલતના કેસ હોય અને ચુકાદો બાકી હોય તો આદેશ મુજબ કામગીરી કરવાની રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષકો લાંબા સમયથી પસંદગીની જગ્યાએ બદલીની માગણી કરી રહ્યાં હતા. આ જાહેરાતને શિક્ષકોએ આવકાર આપ્યો હતો.