ગાંધીનગરઃ ગુજરાતમાં ઘેર ઘેર જઈને મતદારોની નોંધણી અંગેનો કાર્યક્રમ જોહેર કરાયો હતો. એક મહિના સુધી ચાલનારી આ કામગીરીમાં પ્રથામિક શાળાના શિક્ષકોને જોતરવામાં આવતા તેનો ભારે વિરોધ કરાયો હતો. કારણે દિવસ દરમિયાન આ કામગીરી કરવાની હોવાથી શિક્ષકો શાળામાં હાજર રહી શકે તેવી સ્થિતિમાં નહતા. ભારે વિરોધ બાદ એક માસ જેટલો સમય શિક્ષણના ભોગે ચાલુ શાળાએ શિક્ષકો બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી સંભાળવા માટે થયેલા હુકમને મુખ્ય ચૂંટણી અધિકારીએ રદ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવામાં આવી હતી, આ કામગીરી ખૂબ જ વિશાળ હોઇ તેમજ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની થતી હોવાથી શિક્ષકોને શાળા સમય દરમિયાન પણ કામગીરી કરવા માટે આદેશ અપાયો હતો. જોકે, આ બાબત પર મુખ્ય ચૂંટણી અધિકારીનું ધ્યાન જતાં તેમણે તમામ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર પાઠવી શાળા સમય દરમિયાન BLOએ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવાની રહેશે નહીં તેવો આદેશ કર્યો છે. ઉપરાંત, ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવા માટે પણ તાકીદ કરી છે.
ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં 21 ઓગસ્ટ સુધી BLO દ્વારા હાઉસ ટુ હાઉસ ચકાસણી કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચના આદેશના પગલે રાજ્યના ચૂંટણી પંચે સૂચનાઓ આપી હતી. જેમાં શિક્ષકોની બૂથ લેવલ ઓફિસર તરીકેની નિમણૂક અને કામગીરી અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. આમ, છતાં હાલમાં કેટલાક મતદાર નોંધણી અધિકારીઓએ BLO તરીકે નિમણૂક થયેલા શિક્ષકોને શાળા સમય દરમિયાન હાઉસ ટુ હાઉસ ચકાસણીની કામગીરી કરવાના હુકમો કર્યા છે. જોકે, આ હુકમ ભારતના ચૂંટણી પંચની સુચનાઓ સાથે સુસંગત ન હોવાનું ચૂંટણી પંચે નોંધ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્યના તમામ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને પત્ર લખી મતદાર નોંધણી અધિકારીઓને પુનઃ જાણ કરવા તથા તેનું ચુસ્તપણે પાલન થાય તે જોવા તાકીદ કરી છે. શાળા સમય દરમિયાન હાઉસ ટુ હાઉસ સર્વે કરવા માટે થયેલા હુકમો કરવામાં આવ્યા હોય તો તે સ્થાયી સૂચનાઓ સાથે સુસંગત ન હોઈ તાત્કાલીક રદ કરી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવા માટે આદેશ કર્યો છે. આમ, હવે સ્કૂલ સમય દરમિયાન શિક્ષકોએ બૂથ લેવલ ઓફિસર તરીકે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવાની રહેશે નહીં. જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર પડશે નહીં.