અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી રહ્યા છે, ત્યારે વિવિધ કર્મચારી મંડળો, યુનિયનો દ્વારા કર્મચારીઓના પડતર ઉકેલવા સરકારનું નાક દબાવ્યું છે. રાજ્ય સરકારને કર્મચારીઓએ શનિવારે જ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર સામે અનેક પડતર પ્રશ્નોને લઈને શાળાઓના શિક્ષકોએ આંદોલન શરૂ કર્યા છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરાવતા અધ્યાપક સહાયકો પણ સરકાર સામે આંદોલનનું એલાન કર્યું છે. જેમાં આજે તા. 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસે જ અધ્યાપક સહાયકો હાથે કાળી પટ્ટી બાંધીને અભ્યાસ કરાવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની 356 ગ્રાન્ટેડ કોલેજોમાં 5 વર્ષ ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોના મુખ્ય પડતર પ્રશ્નો છે. જેવા કે સળંગ નોકરી, ફાજલ તરીકેનું રક્ષણ, સાતમા પગાર પંચ મુજબ ફિક્સ પગારમાં વધારો કરવો જેવા પ્રશ્નોને લઈને 5 વર્ષમાં 200થી વધુ વખત આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત છતાં નિરાકરણ આવતા હવે અધ્યાપકો આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અને આજે શિક્ષક દિવસે જ કાળા પટ્ટી અને કાળા કપડાં પહેરેની શિક્ષણ કાર્ય કરાવશે.
અધ્યાપક સહાયક મંડળના પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 2.72 લાખ ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષની નોકરી સળંગ ગણવાની જોગવાઈ કરેલી છે. છતાં 1200 અધ્યાપક સહાયકોને આ લાભથી વંચિત રાખીને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. સરકારે માત્ર અધ્યાપક સહાયક કર્મચારીઓ સાથે ભેદભાવ કરતા કર્મચારીઓ નારાજ છે, જેનો વિરોધમાં એક દિવસ કાળી પટ્ટી પહેરેની ભણાવવામાં આવશે.