નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 19 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારી ગઈ હતી. આ હારને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ચાહકો હજુ પણ તેને ભૂલી શક્યા નથી. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. હવે રોહિત શર્માએ ફરી એકવાર ODI વર્લ્ડ કપ ફાઈનલને લઈને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.
રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024માં ભાગ લઈ રહી છે. ભલે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ રમી રહી હોય, પરંતુ 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં હારનું દર્દ હજુ પણ કેપ્ટન રોહિત શર્માના દિલમાંથી દૂર નથી થયું. રોહિત શર્માએ કહ્યું કે, અમે ફાઈનલ હારી ગયા છીએ તે સમજવામાં મને 2-3 દિવસ લાગ્યો હતો.
એક કાર્યક્રમમાં રોહિત શર્માએ જણાવ્યું હતું કે, “વર્લ્ડ કપ ફાઈનલના બીજા દિવસે જ્યારે હું જાગી ગયો, ત્યારે મને ખબર ન હતી કે ગઈકાલે રાત્રે શું થયું. હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો હતો અને કહ્યું, ગત રાતે જે પણ થયું હતું, તે એક દુઃસ્વપ્ન હતું? મને લાગે છે કે ફાઇનલ બીજા દિવસે છે. મને એ સમજવામાં 2-3 દિવસ લાગ્યા કે અમે આગામી 4 વર્ષ ગુમાવી દીધા છે.”
ભારતીય ધરતી પર રમાયેલા 2023 ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ત્યાં સુધી એક પણ મેચ હારી નથી. પરંતુ કમનસીબે મેન ઇન બ્લુને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપની ટ્રોફી માત્ર એક ડગલાથી ગુમાવી દીધી હતી.