Site icon Revoi.in

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ,મલેશિયાને હરાવી ચોથી વખત એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

Social Share

મુંબઈ:ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 જીતી લીધી છે. શનિવારે (12 ઓગસ્ટ) ચેન્નાઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવ્યું હતું. ભારત તરફથી જુગરાજ સિંહ (19મી મિનિટ), હરમનપ્રીત સિંહ (45મી મિનિટ), ગુરજંત સિંહ (45મી મિનિટ) અને આકાશદીપ સિંહ (56મી મિનિટ) એ ગોલ કર્યા હતા. બીજી તરફ મલેશિયા તરફથી અઝરાય અબુ કમાલ, રાઝી રહીમ અને એમ. અમીનુદ્દીને ગોલ કર્યા હતા.

ભારતીય ટીમે ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હવે તે આ ટૂર્નામેન્ટનું સૌથી વધુ વખત ટાઇટલ જીતનારી ટીમ બની ગઈ છે. ભારતે આ મામલે પાકિસ્તાનને હરાવ્યું છે, જેણે ત્રણ વખત ખિતાબ જીત્યો હતો. ભારત-પાકિસ્તાન સિવાય માત્ર કોરિયાએ આ ટૂર્નામેન્ટ એક સમયે જીતી છે. કોરિયાએ 2021ની સિઝનમાં ટાઇટલ જીત્યું હતું.

ભારતે ફાઈનલ મેચમાં ગોલ ફટકારવાની શરૂઆત કરી હતી. રમતની 9મી મિનિટે જુગરાજ સિંહે પેનલ્ટી કોર્નર પર આ શાનદાર ગોલ કર્યો હતો. ત્યાર બાદ રમતની 14મી મિનિટે અઝરાઈ અબુ કમાલે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 1-1 કરી દીધો હતો. આ પછી, રમતનો બીજો ક્વાર્ટર સંપૂર્ણ રીતે મલેશિયાના નામે રહ્યો, જેમાં મેહમાન ટીમે બે ગોલ કર્યા. 18મી મિનિટે અનુભવી ખેલાડી રાઝી રહીમે પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત કર્યો હતો. ત્યારબાદ 28મી મિનિટે મોહમ્મદ અમીનુદ્દીને પણ પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. હાફ ટાઈમ સુધીમાં મલેશિયા 3-1થી આગળ હતું.

ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક હસ્તીઓએ ભારતીય ટીમની જોરદાર રમતની પ્રશંસા કરી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.