દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની સામે આ મહિનામાં આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ભારતીય ટીમના મનોબળમાં વધારો થાય તેવા સમાચાર સામે આવ્યાં છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી ટેસ્ટ સીરિઝ (બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી 2020-21)માં મળેલી ઐતિહાસિક જીતથી આઈસીસીએ ધ અલ્ટીમેટ ટેસ્ટસિરીઝ (પોતાનામાં સર્વશ્રેષ્ઠ સિરીઝ)ની સિદ્ધિથી ટીમ ઈન્ડિયાને સન્માનિત કરવામાં આવી છે.
ટીમ ઈન્ડયાએ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ચાર મેચની સિરીઝમાં જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. એડિલેડની પહેલી ટેસ્ટમાં પરાજય બાદ ભારતીય ટીમે મેલબર્ન અને બ્રિસ્બન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને પરાજીત કરી હતી. આઈસીસીએ આ સિરીઝને ક્રિકેટ ઈતિહાસની ‘The Ultimate Test Series’ની સંજ્ઞા આપી છે. આઈસીસીએ ટ્વીટર મારફતે ‘The Ultimate Test Series’ની જીતની જાહેરાત કરી છે.
આઈસીસીએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પહેલા The Ultimate Test Series નામથી એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં કુલ 16 સીરિઝનું આંકલન કરવામાં આવ્યું હતું. વર્ષ 1999ની ઓસ્ટ્રેલિયા-વેસ્ટઈન્ડિઝ, 2005માં રમાયેલી એશીઝ સિરીઝ, 2008-09માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2020-21ની પસંદગી કરવામાં આવી હતી. આ સિરીઝને સૌથી વધારે 70 લાખ વોટ મળ્યાં હતા.
ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત સામે પડકારજનક હતી. એડિલેડમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. જે બાદ કેપ્ટન વિરાટ કોહલી પોતાના બાળકના જન્મને લઈને પરત ભારત ફર્યા હતા. જે બાદ કેપ્ટનની જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી હતી. રહાણેએ મેલબર્ન ટેસ્ટમાં સદીના કારણે ટીમ ઈન્ડિયાએ વાપસી કરી હતી. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના ઋષભ પંત, હનુમા વિહારી, મંહમદ સિરાઝ, શાર્દુલ ઠાકુર, વોશિંગટન સુંદર અને ટી.નટરાજન જેવા યુવા ખેલાડીઓના સહારે અસાધારણ પ્રદર્શન કરીને દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા હતા.