દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેસ્ટમેન અને કેપ્ટન દિલીપ વેંગસરકના મતે ન્યૂઝીલેન્ડ સાથેની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતને જીતવાનો સારો ચાન્સ છે. જો કે, સફળતા હાંસલ કરવા માટે તમામ ખેલાડીઓએ પોતાનું યોગદાન આપવું પડશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સાઉથેમ્પટનના ધ રોઝ બાઉલ નામના સ્ટેડિયમમાં તા. 18મી જૂનથી ફાઈનલ રમાશે. વિરાટ કોહલીની આગેવાનાની હેઠળની ભારતીય ટીમ હાલ ક્વોરન્ટીન છે. ટીમ ઈન્ડિયા ગત તા. 3 જૂન ના રોજ ઈંગ્લેન્ડ પહોંચી હતી. જો કે, ક્વોરન્ટીનના આકરા નિયમોને કારણે ભારતીય ટીમને પ્રેક્ટીસ શરૂ કરવામાં થોડો સમય લાગશે.
દિલીપ વેંગસરકરે જણાવ્યું હતું કે, જો ભારતીય ટીમની તૂલના ન્યૂઝીલેન્ડ સાથે કરવામાં આવે તો ભારતીય ટીમ વધારે મજબુત છે. બોલ્ટ જેવો વિશ્વસ્તરીય બોગલ અને કેન વિલિયમ્સન જેવો ક્લાકીસ બેસ્ટમેન ન્યૂઝીલેન્ડની ટીમમાં છે. પરંતુ ભારતીય ટીમ તમામ ક્ષેત્રે મજબુત છે. આપણી પાસે દુનિયાના સારા સ્પિનર છે એટલું જ નહીં બોલીંગ આક્રમણ છે. આ ઉપરાંત બેટીંગ પણ સુંદર છે.
ભારતીય ટીમ હાલ આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ટોપ ઉપર છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ બીજા ક્રમે છે. સાઉથેમ્પટનની પરિસ્થિતિઓને ફાયદો ન્યૂઝીલેન્ડને થવાની શકયતાઓ છે. હાલ ન્યૂઝીલેન્ડ ઈંગ્લેન્ડમાં બે ટેસ્ટ સિરીઝ રમી રહ્યું છે. ભારતીય પૂર્વ ક્રિકેટરે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમમાં પ્રતિભાશાળી ખેલાડી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા વિશ્વના બેસ્ટ બેસ્ટમેન છે. જો કે, એકાદ-બે ખેલાડીઓના ભરોસે જીતી ના શકાય. ટેસ્ટમેચમાં તમામ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરે તો જીતી શકાય છે.