અમદાવાદઃ હોકીમાં ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ સર કરી છે. હોકીમાં ભારત ફરી વિશ્વમાં અવ્વ્લ બનશે તેવો વિશ્વાસ દર્શાવી રાજકોટ ખાતે બેસ્ટ પરફોર્મન્સ આપવા અમે તૈયાર હોવાનું હોકી ઇન્ડિયાના ઉત્તરપ્રદેશના મેન્સ ટીમના ઓલ્મપિયન લલિત ઉપાધ્યાય અને મહિલા ટીમના વંદના કટારીયા જણાવ્યું હતું.
અર્જુન એવોર્ડ મેળવનારા લલિત ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સ યુવા ખેલાડીઓ માટે ઉત્તમ પ્લેટફોર્મ છે, અહીં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરી શકશે. તેમણે હોકી ઇન્ડિયા અંગે જણાવ્યું હતું કે, ભારતીય ટીમે ઓલમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ મેળવ્યા બાદ લોકોની અપેક્ષા વધી છે. અમારું ફોક્સ હવે વર્લ્ડ કપમાં મેડલ લાવવાનું છે.
ભારતીય મહિલા હોકી ટીમના ઉત્તર પ્રદેશ ટીમના અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી ખેલાડી વંદના કટારીયાએ જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સ અંતર્ગત જે આયોજન થયું છે તે કાબિલેદાદ છે. નેશનલ ગેમ્સમાં નેટ પ્રેક્ટિસ દરમ્યાન ખુબ મહેનત કરી રહેલી યુ.પી. ની ટીમનું દરેક મેચમાં ખુબ સારું પ્રદર્શન કરવા પર ફોકસ છે. નેશનલ ગેમ્સ રમ્યા બાદ મહિલા હોકી ટીમ એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરવા ધ્યાન આપશે. હોકી સહીતની નેશનલ ગેમ્સમાં ભારતના સારા પ્રદર્શન અંગે પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે, હાલ સરકાર દ્વારા હોકીના ખેલાડીઓને ખુબ સારું પ્રોત્સાહન મળી રહ્યું છે. કોચ પણ સારી રીતે માર્ગદર્શન આપે છે. જેને પરિણામે ખુબ હકરાત્મક પ્રભાવ ખેલાડીઓ પર પડી રહયો છે. વંદનાને વર્ષ 2021માં અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડને તેઓએ સમગ્ર ટીમનો એવોર્ડ ગણાવ્યો હતો.
તેમનું માનવું છે કે, એવોર્ડને મહત્વ આપવા કરતા પ્રેક્ટીસ કરીને ખુબ સારું પ્રદર્શન આપીશું તો એવોર્ડ આપોઆપ મળશે. કોમનવેલ્થ, વર્લ્ડ કપમાં પણ ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ખુબ સારું રહ્યું છે. ભવિષ્યમાં પણ હોકી ટીમ ખુબ સારું પ્રદર્શન કરી સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ તેણીએ વ્યક્ત કર્યો છે.