- આઈસીસી વર્લ્ડ કપમાં ભાગ લેશે ટીમ ઈન્ડિયા
- મુંબઈમાં 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેશે
- મુંબઈથી ન્યુઝીલેન્ડ જવા થશે રવાના
મુંબઈ:આઈસીસી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસ પહેલા રવિવારથી એક સપ્તાહના ક્વોરેન્ટાઈન માટે મુંબઈમાં એકત્રિત થશે. ટીમ તાજેતરમાં પરસ્પર સંકલન માટે દહેરાદૂનમાં એક થઈ હતી અને યુવા ખેલાડીઓને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું.
પંદર સભ્યોની ટીમ અને ત્રણ રિઝર્વ ખેલાડીઓને મુંબઈ આવવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં તેઓ એક સપ્તાહ માટે હોટલમાં ક્વોરેન્ટાઈનમાં રહેશે. ટીમ 24 જાન્યુઆરીના રોજ ન્યુઝીલેન્ડ જવા રવાના થવાની ધારણા છે અને ખેલાડીઓએ આગમન પર બીજા ક્વોરેન્ટાઈનમાંથી પસાર થવું પડશે.
ભારતીય ટીમ માર્ચ-એપ્રિલમાં વનડે વર્લ્ડ કપ પહેલા 11 ફેબ્રુઆરીથી યજમાન ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની વનડે શ્રુંખલા અને એક T20 મેચ રમશે. ટીમ મેનેજમેન્ટ પ્રસ્થાન પહેલા એક સપ્તાહ લાંબી પ્રેક્ટિસ કેમ્પ યોજવા માંગતી હતી પરંતુ દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને જોતા તે થઈ શક્યું ન હતું.
ભારત 2017 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. શિખા પાંડે, જેમિમા રોડ્રિગ્સ અને પૂનમ રાઉતને મિતાલી રાજની આગેવાની હેઠળની વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કર્યા પછી વિવાદ ફાટી નીકળ્યો હતો.