- બાંગ્લાદેશે બીજી ઈનીંગ્સમાં 95 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
- ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો
નવી દિલ્હીઃ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવીને 2-0થી સીરીઝ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જોરદાર જીત મેળવી છે. મેચમાં 3 દિવસ વરસાદ વિઘ્ન બન્યો હતો, જેથી એવુ લાગતું હતું કે, આ મેચ કોઈ પણ પરિણામ વિના પૂર્ણ થશે. જો કે, રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ડ્રો તરફ આગળ વધી રહેલી ટેસ્ટ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલએ બંને ઈનીંગ્સમાં અડધીસદી ફટકારી હતી. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ સૌથી વધારે છ વિકેટ મેળવી હતી. પ્રથમ ઈનીંગ્સમાં 3 અને બીજી ઈનીંગ્સમાં 3 વિકેટ હાંસલ કરી હતી.
27મી સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગનો નિર્ણય લીધો હતો. મેચના પ્રથમ દિવસે વરસાદને કારણે એક કલાક મોડી શરૂ થઈ હતી. પ્રથમ દિવસે વરસાદના વિધ્નને કારણે માત્ર 35 ઓવર જ નાખી શકાઈ હતી. પ્રથમ દિવસે બાંગ્લાદેશે 107 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. બીજો દિવસ વરસાદના કારણે ધોવાયો હતો. ત્રીજો દિવસે પણ વરસાદના વિધ્નના કારણે એક પણ બોલ નાખી શકાયો ન હતો. ચોથા દિવસે ભારતીય ટીમે બાંગ્લાદેશમાં 233 રનમાં 10 વિકેટ મેળવીને પેવેલીયન ભેગી કરી હતી. આ જ દિવસે ટીમ ઈન્ડિયાએ 9 વિકેટ ગુમાવીને 285 રન બનાવ્યાં હતા. આમ 52 રનની ટીમ ઈન્ડિયાએ લીડ હાંસલ કરી હતી. પ્રથમ ઈનીંગ્સમાં યશસ્વી જયસ્વાલએ 12 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 72 રન બનાવ્યાં હતા. આ ઉપરાંત કેએલ રાહુલે 7 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 68 રન બનાવ્યાં હતા. ચોથા દિવસે જ બાંગ્લાદેશ બીજી ઈનીંગ્સમાં બેટીંગ કરવા ઉતરી હતી. ચોથા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે બાંગ્લાદેશે 11 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યાં હતા.
આજે પાંચમાં દિવસે બેટીંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ પ્રથમ સેશનમાં જ 10 વિકેટમાં માત્ર 146 રન બનાવી શકી હતી. આમ ભારતને 95 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બીજા સેશનમાં જ 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયા તરફથી જયસ્વાલે 8 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 51 રન ફટકાર્યાં હતા.