ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર ગર્લફ્રેન્ડ મિતાલી સામે થયો બોલ્ડ, બંનેએ કરી સગાઈ
દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે મુંબઈમાં સગાઈ કરી લીધી છે. બંનેની સગાઈના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સગાઈ સમારોહ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં માત્ર નજીકના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. ખેલાડીના નજીકના સહયોગીએ મીડિયા હાઉસ સામે ખુલાસો કર્યો છે કે તેઓ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી લગ્ન કરશે.
હાલમાં BCCI દ્વારા વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે શાર્દુલને આરામ આપવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુર ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 4 ટેસ્ટ, 15 વનડે અને 24 T-20 રમી છે. આ 30 વર્ષીય બોલરે તાજેતરના સમયમાં નીચલા ક્રમમાં પોતાની બેટિંગથી પણ બધાને પ્રભાવિત કર્યા છે. તેણે ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં અડધી સદી ફટકારીને બેટ્સમેન તરીકેની પોતાની ઓળખ મજબૂત કરી છે. શાર્દુલને તાજેતરમાં પૂર્ણ થયેલ T20 વર્લ્ડની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે તેને ટુર્નામેન્ટમાં માત્ર 2 મેચ રમવાની તક મળી હતી.
શાર્દુલે ચેન્નાઈ સુપર કિંગ્સને IPL 2021ની ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ટૂર્નામેન્ટમાં ટીમ માટે 16 મેચમાં 21 વિકેટ લીધી હતી. જોકે, આઈપીએલ 2022 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ તેને રિટેન કરશે કે કેમ તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જો CSK તેને પોતાની સાથે નહીં રાખે તો આ ઓલરાઉન્ડરને હરાજીમાં મોટી કિંમત મળી શકે છે.