સ્માર્ટફોનને હેકર્સથી અને ફ્રોડથી સુરક્ષિત રાખવો છે? તો આ સરળ સ્ટેપ્સ અનુસરો અને સ્માર્ટફોનને સુરક્ષિત રાખો
નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં સૌથી વધુ જો કોઇ વસ્તુનો વપરાશ થતો હોય તો તે સ્માર્ટફોન છે. આજે રોજિંદા જીવનના મોટા ભાગના કામ માત્ર એક ફિંગર ટીપથી સ્માર્ટફોન મારફતે થાય છે. ઓનલાઇન શોપિંગ, પેમેન્ટ, ફોટો શેરિંગ, વીડિયો કોલિંગ, મેસેજ માટે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.
જો કે જેમ દરેક વસ્તુની એક નકારાત્મક બાબત હોય છે તેમ સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે લોકોના જીવનની સંવેદનશીલ માહિતીનો દૂરુપયોગ પણ એટલો જ વધી રહ્યો છે. છેતરપિંડી કરનારાઓ સ્માર્ટફોન યૂઝર્સને પોતાનો શિકાર બનાવવા માટે વિવિધ પદ્વતિઓ અપનાવતા રહે છે. દર વર્ષે હજારો લોકો આ પ્રકારના ઓનલાઇન ફ્રોડના શિકાર બનતા હોય છે.
આજે અમે આપને આ પ્રકારની છેતરપિંડીથી કેવી રીતે બચવું અ અંગે આપને માહિતગાર કરીશું.
બને ત્યાં સુધી તમારા સ્માર્ટફોનના સોફ્ટવેર તેમજ એપ્લિકેશનને નિયમિતપણે અપડેટ કરો. ઉપરાંત, તમે જાણતા નથી તેવા લોકો દ્વારા મોકલવામાં આવેલી લિંક્સ તેમજ અટેચમેન્ટ ખોલવાનું પણ ટાળો. એ પણ તકેદારી રાખવી જોઇએ કે શંકાસ્પદ લિંક્સ, શંકાસ્પદ મેઇલ પર ક્લિક કરવાનું ટાળવું જોઇએ.
જો તમારા ફોનમાં માલવેર ઘૂસી જાય તો તેનાથી મોટું નુકસાન થઇ શકે છે અને તમારે બધો જ ડેટા વાઇપ થઇ જવાની પણ સંભાવના રહે છે. તેથી બને ત્યાં સુધી તમારા સ્માર્ટફોનને નિયમિતપણે રીસ્ટાર્ટ કરો. તેનાથી તમે તમારા સ્માર્ટફોનને માલવેરથી સુરક્ષિત રાખી શકો છો. ડિવાઇસ પર જીયો લોકેશન ઓપ્શન તેમજ કવર કેમેરાને પણ ડિસેબલ રાખો.
આ ટિપ્સથી તમે તમારા સ્માર્ટફોને હેકર્સથી સુરક્ષિત રાખી શકશો અને ફ્રોડનો શિકાર થતા પણ બચશો.