નવી દિલ્હી: હવે દેશ અને વિશ્વભરના મોટા ભાગના લોકો માટે મોબાઇલ ફોન હવે અનિવાર્ય અંગ બની ગયું છે ત્યારે ભારતમાં હજુ પણ પોસ્ટ પેઇડની તુલનાએ પ્રિ-પેઇડ ગ્રાહકોની સંખ્યા વધારે છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને RBIએ આવા કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે.
BBPSએ બિલ ચૂકવણી માટેની એક એકીકૃત સિસ્ટમ છે, જે ગ્રાહકોને ઑનલાઇન તેમજ એજન્ટોના નેટવર્ક દ્વારા ઑફલાઇન બિલ ચૂકવણીની સેવા પ્રદાન કરે છે. BBPS એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા હેઠળ કાર્ય કરે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કહ્યું હતું કે, ભારત બિલ ચુકવણી સિસ્ટમ (BBPS) ના અવકાશને વિસ્તૃત કરતા તેમાં બિલર તરીકે મોબાઇલ પ્રી-પેઇડ રિચાર્જની (Mobile prepaid recharge) સુવિધા પણ ઉમેરવામાં આવશે. તેનાથી દેશમાં પ્રિ-પેઇડ ફોન સર્વિસના કરોડો યુઝર્સને મદદ મળશે.
આપને જણાવી દઇએ કે, સપ્ટેમ્બર 2019 માં BBPS ના કાર્યક્ષેત્ર અને અવકાશને વિસ્તૃત કરવા, તેના ભાગ રૂપે પાત્ર સહભાગીઓ તરીકે (મોબાઇલ પ્રીપેઇડ રિચાર્જ સિવાય) તમામ કેટેગરીના બિલર્સ ઉમેરવામાં આવ્યા હતા.
પહેલા BBPS દ્વારા બીલ ભરવાની સુવિધા ફક્ત પાંચ સેગમેન્ટમાં ઉપલબ્ધ હતી. જેમાં ડાયરેક્ટ ટુ હોમ (DTH), વીજળી, ગેસ, ટેલિકોમ અને પાણીનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, વિવિધ બિલર કેટેગરીમાં નિયમિત વધારા સાથે મોબાઇલ પ્રી-પેઇડ ગ્રાહકોને રિચાર્જ માટે વધુ વિકલ્પો પ્રદાન કરવાના વિચાર સાથે, BBPS ની બિલર કેટેગરીમાં ‘મોબાઇલ પ્રીપેઇડ રીચાર્જ’ નો સમાવેશ કરવામાં આવશે.
ભારતમાં ડિસેમ્બર 2020 સુધીમાં પ્રિપેઇડ ફોન સેવાના 110 કરોડ યુઝર્સ હતા. જેમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી એ ગ્રાહકોની કેર લેવી એ સૌથી જરૂરી છે.