- હવે ભારતમાં જ iPhone 13 બનશે
- ફેબ્રુઆરી 2022માં ઉત્પાદન શરૂ કરવાની કંપનીની યોજના
- તેનાથી એપલને મોટો ફાયદો થશે
નવી દિલ્હી: હવે ભારતમાં જ iPhone 13નું નિર્માણ થશે. ચેન્નાઇ પાસે ફોક્સકૉન પ્લાન્ટમાં પહેલા જ નવી આઇફોન 13 સીરિઝના મોડલનું ઉત્પાદન કરવા માટે ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફેબ્રુઆરી 2022થી તેમાં ઉત્પાદન શરૂ થશે. આ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થતા જ ઘરેલુ બજાર અને નિકાસ બંનેની માંગને પૂર્ણ કરી શકાશે. આ પ્લાન્ટથી એપલને પોતાની વૈશ્વિક માંગને પહોંચી વળવામાં ઘણી મદદ મળશે.
ભારતમાં કંપનીના સૌથી વધારે વેચાણ થતા સ્માર્ટફોનના મૉડલનું ઉત્પાદન કરવાની કંપની યોજના ધરાવે છે. આ ઉપરાંત કંપની સેમીકન્ડક્ટરની ચિપ્સની માંગને પહોંચી વળવા માટે પણ સફળ રહી છે. અત્યારે તો સમગ્ર વિશ્વમાં આ સેમીકન્ડક્ટર ચિપની ભારે અછત છે.
iPhoneના ભારતીય માર્કેટની વાત કરીએ તો ઓછી કિંમતના મૉડલ એટલે કે iPhone 11 અને iPhone 12ની ભારતમાં સૌથી વધારે વેચાણ થાય છે. એપલ તરફથી નિર્મિત તમામ સ્માર્ટફોન ઉત્પાદનનો આશરે 70 ટકા હિસ્સો દેશમાં જ વેચાય છે. ચેન્નાઇના ફૉક્સકૉન પ્લાન્ટમાં પહેલા જ iPhone 11 તેમજ iPhone 12નું ઉત્પાદન થાય છે.
અત્રે જણાવવાનું કે, ભારતમાં iPhone 13નું ઉત્પાદન શરૂ થવાથી એપલને સૌથી વધારે ફાયદો થશે. તેનું કારણ એ છે કે આ દેશનું સૌથી વધારે વેચાણ થતું મોડલ છે. જો કે અન્ય કોઇ વેરિઅન્ટની ઉત્પાદન કરવાની કંપનીની હાલમાં તો કોઇ યોજના નથી જણાતી.