Site icon Revoi.in

વોટ્સએપ પર આવો મેસેજ આવે તો ચેતી જજો, બાકી છેતરપિંડીના શિકાર થઇ જશો

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં વોટ્સએપ એક ખૂબ જ લોકપ્રિય એપ છે. વોટ્સએપ પ્રચલિત હોવાથી જ તેના માધ્યમથી જ હેકર્સ નવા નવા કૌભાંડો કરતા રહે છે. હવે એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડને ફ્રેંડ ઇન નીડ સ્કેમ કહેવામાં આવે છે. ઘણા યૂઝર્સ તેનો શિકાર બન્યા છે. આ કૌભાંડમાં, છેતરપિંડી કરનારાઓ તેમના મિત્રો બનીને યૂઝર્સને નિશાન બનાવે છે. આ વોટ્સએપ સ્કેમની મોડસ ઓપરેન્ડી એવી છે કે યૂઝર્સને એક મિત્રનો મેસેજ આવે છે જેમાં તેને કહેવામાં આવે છે કે તેઓ બહાર ફસાયેલા છે અને તેને પૈસાની આવશ્યકતા છે.

એક મીડિયા અહેવાલ અનુસાર વિદેશમાં એક 53 વર્ષીય મહિલા આ પ્રકારના કૌભાંડનો ભોગ બન્યા છે. જેમાં એવો દાવો કરાયો છે કે તેને તેમના પુત્ર તરફથી આ પ્રકારનો મેસેજ આવ્યો છે. મેસેજમાં અંદાજે રૂ. 2,50,000ની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર મહિલાએ તેના પુત્રને સહાયરૂપ થવા પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ પ્રકારના કૌભાંડના હિટ લિસ્ટમાં માતા હોય છે જે સરળતાપૂર્વક પુત્રના નામે ગમે તેને પૈસા ટ્રાન્સફર કરવા માટે પણ તૈયાર થઇ જાય છે. યુકેમાં રહેતા 59 ટકા યૂઝર્સને આ પ્રકારનો સંદિગ્ધ મેસેજ મળ્યો છે.

વોટ્સએપે આ પ્રકારના મેસેજથી લોકોને સચેત અને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. રિપોર્ટ અનુસાર, સ્કેમર્સ યૂઝર્સને પરિવાર કે મિત્ર તરીકે સંદેશ મોકલે છે. મેસેજમાં તેમને અંગત માહિતી, પૈસા અથવા છ અંકનો પિન પૂછવામાં આવે છે. યૂઝર્સના આવા મેસેજથી સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે સ્કેમર્સ તમારા મિત્ર અથવા પરિવારના ચેડા થયેલા એકાઉન્ટનો ઉપયોગ કરે છે.