શું તમને પણ આવ્યો છે VIP ફોન નંબર્સનો મેસેજ? તો ચેતી જજો અન્યથા એકાઉન્ટ થઇ જશે સાફ
- શું તમને પણ VIP ફોન નંબર્સના મેસેજ આવે છે?
- તો ચેતી જજો અન્યથા તમે પણ કૌભાંડનો ભોગ બનશો
- તમારું એકાઉન્ટ થઇ જશે ખાલીખમ
નવી દિલ્હી: અત્યારે ભારતમાં વીઆઇપી નંબર્સની ખૂબ જ બોલબાલા છે. લોકો વીઆઇપી ફોન નંબર માટે વધુ પૈસા આપવા માટે પણ તૈયાર છે. તમે જ્યારે તમારો મોબાઇલ નંબર કોઇને આપો ત્યારે તે ફેન્સી નંબર હોય તો તેનો અલગ જ પ્રભાવ પડે છે. જો કે, વીઆઇપી નંબર્સ પાછળ પણ એક કૌંભાડ કામ કરી રહ્યું છે. આ કૌંભાડનો અત્યારસુધી અનેક લોકો શિકાર બન્યા છે. ચાલો જાણીએ કઇ રીતે લોકો તેના શિકાર બની રહ્યા છે.
કૌભાંડના કઇ રીતે અંજામ અપાય છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તે લોકો તમારા મોબાઇલ નંબર પર સીધો જ મેસેજ અથવા તો વોટ્સએપના માધ્યમથી તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. આ લોકો તમને અનેકવિધ કંપનીઓના વીઆઇપી નંબરની યાદી મોકલે છે. તે ઉપરાંત તેની કિંમત પણ મોકલે છે. તમને કહે છે કે જે નંબર પસંદ કરશો તે તમને મળી જશે. આ માટે તમારે ઑનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે.
તમે એકવાર પેમેન્ટ કરો ત્યારબાદ તમને તમારા નોંધાયેલા સરનામા પર સિમ કાર્ડ મોકલવાની વાત કરાય છે. સિમ કાર્ડની રકમ પણ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવે છે. તે ઉપરાંત KYC ડોક્યુમેન્ટ્સ પણ લે છે. જો કે, અહીંયા ચોંકાવનારી વસ્તુ ત્યારે બને છે જ્યારે ઘરે સિમ કાર્ડના બદલે માત્ર ફોલ્ડર જ આવે છે.
વીઆઈપી નંબરમાં કોઈ એક યૂનિક નંબર એકથી વધારે વખત હોય છે અથવા કોમ્બિનેશનમાં હોય છે. ધારો કે તમારો લકી નંબર 7 હોય તો તમને એવો નંબર ઑફર કરે જેમાં 777 કે પછી 007, 7777 હોય. આ ઉપરાંત વિવિધ કોમ્બિનેશનમાં પણ આ નંબર આવતા હોય છે. આ નંબર સિરીઝ અને કોમ્બિનેશનને પગલે યાદ રાખવા પણ સરળ હોય છે.
જો તમે પણ આ પ્રકારના કૌભાંડના શિકાર બનવાથી બચવા માંગતા હોવ તો તમે પણ આવો કોઇ વીઆઇપી નંબર માટેનો મેસેજ કે ઇ-મેઇલ પ્રાપ્ત કર્યો હોય તો તેની ફરિયાદ કરી શકો છો. ગૃહ મંત્રાલય અનુસાર આ પ્રકારના કૌભાંડની સીધી જ ફરિયાદ www.cybercrime.gov.in પર કરી શકો છો. તમે જો કૌભાંડનો ભોગ બન્યા હોય તો તેની ફરિયાદ કરો, જેનાથી આ પ્રકારના કૌભાંડોને અંજામ આપતા પકડી શકાય.