વાંચો 21,500 વાઇ-ફાઇ હોટસ્પોટ્સ ધરાવતા વિશ્વના એકમાત્ર શહેર વિશે, છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
- મેક્સિકો સિટીમાં સૌથી વધુ વાઇ-ફાઇ હોટસ્પોટ્સ આવેલા છે
- અહીંયા 21,500 સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ્સ આવેલા છે
- શહેરના 9 મિલિયન લોકો તેનો આનંદ માણે છે
નવી દિલ્હી: જો તમને કોઇ એવા શહેરમાં મૂકવામાં આવે જ્યાં ચારેય તરફ ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ્સ હોય તો તમને કેવી મજા પડી જાય. તમે તો બ્રાઉઝિંગમાં જ ઓતપ્રોત થઇ જાઓ. વિશ્વનું આવું જ એક શહેર છે મેક્સિકો સિટી. આ શહેરમાં સૌથી વધુ હાઇફાઇ સ્પોટ્સ છે. આ એક રેકોર્ડ છે. સૌથી વધુ ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ હોવાને કારણે આ શહેરનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે.
મેક્સિકો સિટીમાં વાઇ-ફાઇ હોટસ્પોટ્સના આંકડા સાંભળીને જ તમે ચોંકી જશો. અહીંયા સમગ્ર શહેરમાં 21,500 હોટસ્પોટ્સ આવેલા છે. શહેરના 9 મિલિયન લોકો તેનો આનંદ માણે છે. ખાસ કરીને વાઇ-ફાઇ હોટસ્પોટ્સ જાહેર વાહનોમાં લગાવાયા છે. મહામારી દરમિયાન જ્યારે શાળાઓ બંધ થઇ ત્યારે હોટસ્પોટ્સ્ની સંખ્યા વધારાઇ હતી જેથી વિદ્યાર્થીઓ ઑનલાઇન વર્ગો ભરીને શિક્ષણ લઇ શકે.
મેક્સિકો સિટીના મેયર ક્લાઉડિયા શિનબૈમને સિંગલ ફ્રી અર્બન વાઇ-ફાઇ નેટવર્ક (Urban Wi-Fi network)થી લોકોને સૌથી વધુ હોટસ્પોટ પ્રદાન કરવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેયરનું કહેવું છે કે તેમણે શહેરના લાખો લોકોને મફત ઇન્ટરનેટ આપવાનું નક્કી કર્યું હતું.
જ્યાં મેક્સિકોમાં મફત વાઇ-ફાઇ ઓફર કરવામાં આવી રહ્યું છે, ત્યાં ઘણી જગ્યાઓ મફત ઇન્ટરનેટ પ્રદાન કરતા પહેલા ખૂબ મનોરંજક શરતો રાખવામાં આવી છે. ઉદાહરણ તરીકે, યુ.એસ.એ.ના સેક્સસમાં એક થાઇ રેસ્ટોરન્ટમાં દિવાલ પર વાઇ-ફાઇ પાસવર્ડ લખીને ચોંટાડેલો છે.
આ એટલા માટે છે કારણ કે તમે જમતી વખતે વાનગીનો ફોટો અપલોડ કરી શકો. અન્ય થાઈ રેસ્ટોરન્ટમાં લોકોએ વાઇ-ફાઇ પાસવર્ડ મેળવવા માટે ગણિતના લાંબા સમીકરણને હલ કરવું પડ્યું હતું. આ સમીકરણનો જવાબ એ પાસવર્ડ હતો જેનો કસ્ટમર ઉપયોગ કરી શકે છે.