Site icon Revoi.in

કોવિન સાઇટ પર લોડ વધતા કોવિન રજીસ્ટ્રેશન સર્વર ડાઉન થયું, ટાઇમ સ્લોટ મળતો નથી

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં 18 થી 44 વર્ષની વયજૂથના લોકોએ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે પરંતુ આરોગ્ય સેતુનું સર્વર ડાઉન હોવાથી મુશ્કેલી થઇ રહી છે. લોકોને ટાઇમ સ્લોટ નથી મળી રહ્યો. તે ઉપરાંત કૃપયા કરીને થોડા સમય પછી પ્રયાસ કરો તેવો મેસેજ પણ આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દેશના વિવિધ રાજ્યોમાં 28મી એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યાથી વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઇ ગઇ છે. કેટલાક વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું છે પરંતુ ટાઇમ સ્લોટ મળતો નથી. કેટલાક રજીસ્ટ્રેશનથી વંચિત રહ્યા છે. કોવિન પ્લેટફોર્મ કે આરોગ્ય સેતુ એપ દ્વારા રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવાયું છે. જો કોઇ વ્યક્તિ રજીસ્ટ્રેશન કર્યા વિના વેક્સિનેશન સેન્ટરમાં પહોંચી જશે તો તેને વેક્સિન મળ શકશે નહીં.

કેન્દ્રીય વિભાગે સ્વિકાર્યું છે કે જ્યારે ચાર વાગ્યે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે સર્વર ડાઉનના કારણે મુશ્કેલીઓ આવી રહી છે પરંતુ તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. અચાનક લોડ વધી જતાં આ ટેકનિકલ મુશ્કેલી શરૂ થઇ છે. મોટાભાગના યુઝર્સને એવો મેસેજ મળવા લાગ્યો કે કોવિન સર્વર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. મહેરબાની કરીને થોડાં સમય પછી પ્રયાસ કરો.

કેટલાક યુઝર્સ તો આરોગ્ય સેતુ એપ્લિકેશન નહીં ખૂલવાની ફરિયાદ કરી રહ્યાં છે. તેમને એરર મેસેજ આવી રહ્યાં છે. ગુજરાતમાં આ વયજૂથમાં કોઇપણ સેન્ટર પસંદ કરવામાં આવે, તમામ જગ્યાએ વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવનાર છે.

મહત્વનું છે કે, સરકારે સ્પષ્ટતા કરી છે કે 45 વર્ષ અને તેથી વધુની વયના જે નાગરિકો વેક્સિનથી વંચિત રહી ગયા છે તેમને સ્થળ પર જઇને રજીસ્ટ્રેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે પરંતુ 18 થી 44ની વયજૂથમાં આવો કોઇ વિકલ્પ નથી.

(સંકેત)