હવે ફોનનું લોક ખોલ્યા વગર અને ઇન્ટરનેટ વિના પણ ફટાફટ થશે પેમેન્ટ, Paytm લાવ્યું આ ઘાંસુ ફીચર
નવી દિલ્હી: આજે ભારતમાં મોટા પાયે લોકો ડિજીટલ વોલેટને અપનાવતા થયા છે. લોકો પાસે પેટીએમ, ગૂગલ પે, ભીમ એપ જેવી અનેક એપ્સ હોય છે જેનાથી લોકો ડિજીટલ પેમેન્ટ કરવાનું પસંદ કરે છે અને તેનો ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે. હવે આ ડિજીટલ પેમેન્ટની પદ્વતિને વધુ એક કદમ આગળ લઇ જતા પેટીએમે ટૈપ ટૂ પે ની શરૂઆત કરી છે. આ ફીચરથી હવે POS મશીન પર ફોન ટૈપ કરીને પેમેન્ટ કરવું શક્ય બનશે. તેનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટની પણ આવશ્યકતા નહીં રહે.
અહીંયા ખાસિયત એ છે કે, યૂઝર પેટીએમની સાથે રજીસ્ટર્ડ કોઇપણ કાર્ડનો ઉપયોગ કરી આ પ્રકારની ચૂકવણી કરી શકે છે. ફોનનું સ્ક્રીન લોક અથવા મોબાઇલ ડેટા બંધ હોય ત્યારે પણ ટૈપ ટૂ પે દ્વારા પેમેન્ટ કરવું શક્ય બનશે. આ સર્વિસ એન્ડ્રોઇડ અને iOS બંને યૂઝર્સ માટે શરૂ કરવામાં આવી છે. NFC સપોર્ટેડ કોઇપણ POS મશીન પર આ પ્રકારનું પેમેન્ટ શક્ય બનશે.
કાર્ડની માહિતીઓની સિક્યોરિટીના નવા નિયમ પર પણ પેટીએમે અમલ કર્યો છે. તમે જે કાર્ડનો ઉપયોગ કરવા માંગો છો. કંપની કાર્ડના 16 પોઈન્ટના નંબરને એક સિક્યોર્ડ ટ્રાન્જેક્શનના કોડથી બદલી નાખશે. આ કોડને ડિજીટલ આઈડેન્ટીફાયર નામ આપવામાં આવ્યું છે. આ સુવિધાથી કાર્ડની દરેક માહિતી યુઝરની પાસે સુરક્ષિત રહે છે.
આ રીતે આ સેવાનો કરો ઉપયોગ
આ સર્વિસનો લાભ ઉઠાવવા માટે તમારે સેટિંગમાં થોડા ફેરફાર કરવાની જરૂર પડશે. તમે જે કાર્ડથી પેમેન્ટ કરવા માગો છો. જો તે પેટીએમ પર સેવ થયો નથી તો તેને પહેલા એડ કરી લો. ત્યારબાદ થોડી વિગતો ભરીને ટૈપ ટૂ પે સર્વિસની શરતો સ્વીકારવી પડશે. ત્યારબાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી સબમિટ કરતા જ ટૈપ ટૂ પે સર્વિસ માટે તે કાર્ડ સક્રિય થઇ જશે. તમે આ સુવિધાનો લાભ ઉઠાવી શકશો.