- દેશમાં ઝડપી વેક્સિનેશન માટે હવે ગૂગલ કરી રહ્યું છે મદદ
- ગૂગલે આ માટે બનાવ્યું એક ખાસ ડૂડલ
- આ ડૂડલ પર ક્લિક કરતા જ મળે છે વેક્સિનેશનને લગતી તમામ જાણકારી
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોના મહામારી સામે લડવાનું બ્રહ્માસ્ત્ર એટલે વેક્સિનેશન. મોટા ભાગના દેશમાં હાલમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવે વેક્સિનેશન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાના હેતુસર ગૂગલ પણ લોકોની મદદ કરી રહ્યું છે. ગૂગલે આ માટે ખાસ ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલના માધ્યમથી ગૂગલ લોકોને વેક્સિનેશન માટે પ્રેરણા આપી રહ્યું છે. તે ઉપરાંત વેક્સિનેશનને લગતી જાણકારી પર પૂરું પાડી રહ્યું છે.
ગૂગલે જે ડૂડલ બનાવ્યું છે તે ખાસ ડૂડલમાં ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ વેક્સિનેશન પ્રતિ સંદેશ આપવામાં આવી રહ્યો છે. ડૂડલ પર ક્લિક કરતાં જ બીજું વેબપેજ ખુલે છે, જેમાં નજીકના વેક્સિનેશન સેન્ટર, કોરના વાયરસના સંક્રમણના આંકડા, વેક્સિનેશન સાથે જોડાયેલા તમામ સમાચાર, કોવિન એપ, વેક્સિન અને વેક્સિનેશનના ફાયદા સહિત તેના સાથે જોડાયેલી તમામ જાણકારી સામે આવી જાય છે.
આ પેજના માધ્યમથી ગૂગલ લોકોને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ સમજાવે છે. સાથોસાથ એ પણ સ્પષ્ટ કરે છે કે શું કોરોના વેક્સીનની કોઈ સાઇડ ઇફેક્ટ હોય છે. આ પેજ લોકો માટે ખૂબ જ કામનું છે.
મહત્વનું છે કે, ભારતમાં મોટા પાયે કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. ગઇકાલે એટલે કે સોમવારે વિશ્વ યોગ જૂનના દિવસે જ દેશમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયું હતું. કોરોના રસીકરણ માટે સંશોધિત દિશા-નિર્દેશોના પહેલા જ દિવસે દેશભરમાં 85.15 લાખ લોકોનું વેક્સિનેશન થયું હતું.