- હવે હાઇવે પર ક્યાં કેટલો ટેક્સ લેવાય છે તે અંગે ગૂગલ તમને જણાવશે
- ગૂગલ મેપ ટૂંક સમયમાં આ માટેનું ફીચર લઇને આવી રહ્યું છે
- જો કે ક્યાં દેશમાં તે ઉપલબ્ધ કરાવાશે તે અંગે હજુ પણ કહેવું મુશ્કેલ
નવી દિલ્હી: તમે જો કોઇપણ અજાણ્યા સ્થળ કે કોઇ સ્થળની પહેલી વાર મુલાકાત લેવાની યોજના બનાવો છો તો ગૂગલ મેપ્સ તમારું ત્યાં સુધી પહોંચવાનું કામ ખૂબ સરળ બનાવી આપે છે. સ્થળને નેવિગેટ કરવા માટે ઉપયોગમાં લેવાતી સૌથી લોકપ્રિય એપ્લિકેશન ગૂગલ મેપ્સ છે. હવે ગૂગલ મેપ્સ નવુ ફીચર એડ કરવા જઇ રહ્યું છે. જે મુસાફરી પ્લાન કરવામાં તમારી મદદ કરશે. ક્યા રોડ પર ટોલ ગેટ છે અને કેટલો ટોલ ટેક્સ આપવો પડશે તે અંગેની માહિતી ગૂગલ મેપ્સ આપશે. આ સુવિધાને કારણે તમે યોગ્ય નિર્ણય લઇ શકશો. અત્યારે આ ફીચર પ્રારંભિક તબક્કામાં છે. જો કે ગૂગલનું આ ફીચર બધા જ દેશને મળશે કે કેમ તે અંગે અત્યારથી કહેવું મુશ્કેલ છે.
ગૂગલ મેપ્સના માધ્યમથી હવે તમારો કુલ ટોલ ટેક્સ કેટલો થશે અને રસ્તામાં કેટલા ટોલ ગેટ આવશે તે અંગેની માહિતી આપવામાં આવશે. આ માહિતી પરથી તાગ મેળવી શકાશે કે, ટોલ ગેટ વાળો રોડ પસંદ કરવો કે નહી, આ ફીચરથી સમય પણ બચાવી શકાશે.
આ ફિચર અંગે ગૂગલ દ્વારા હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એન્ડ્રોઈડ પોલિસના રિપોર્ટ મુજબ ગૂગલ મેપ્સ પ્રિવ્યુ પ્રોગ્રામ મેમ્બર્સને નેવિગેશન મારફતે રસ્તામાં રોડ, પુલ અને ટોલ ટેક્સ વિશે સંપૂર્ણ માહિતી આપશે.
જાણો ગૂગલ વેજ મેપિંગ વિશે
ગૂગલ વેજ નામની મેપિંગ એપથી આ સુવિધા યૂઝર્સ સુધી પહોંચી શકે છે. આ એપને 2013માં હસ્તગત કરાઈ હતી. જેમાં ટોલ ટેક્સ અંગે જાણકારી આપવામાં આવે છે. ગૂગલે ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યાના ત્રણ વર્ષ પહેલા આ એપમાં ટોલ બતાવવાનું શરૂ થયું હતું. વેજ મેપિંગ સુવિધા માત્ર ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચિલી, કોલંબિયા, ડોમિનિકન રિપબ્લિક, ઇઝરાયેલ, લાતવિયા, ન્યુઝીલેન્ડ, પેરુ, પોલેન્ડ, પ્યુર્ટો રિકો, સ્લોવેનિયા, સ્પેન, ઉરુગ્વે અને યુએસમાં ઉપલબ્ધ છે.