નવી દિલ્હી: ગૂગલ સર્ચ એન્જિન પર બનેલી એક ઘટના બાદ કન્નડ ભાષીઓમાં નારાજગી પ્રવર્તી હતી અને તેઓએ રોષે ભરાઇને ગૂગલને આડે હાથ લીધું હતું. અંતે ગૂગલે માફી માંગવી પડી હતી. વાત એમ છે કે, ગૂગલ સર્ચ એન્જિન પર ભારતની સૌથી ભદ્દી ભાષા કઇ છે, આવું સર્ચ કરવા પર જવાબમાં કન્નડ લખાયેલું આવતું હતું. કન્નડ ભાષીઓને આ અંગે જાણ થતા તેમણે ગૂગલને તે દૂર કરી માફી માંગવા કહેવાનું શરૂ કરી દીધું હતું.
અનેક કન્નડ નેતાઓ પણ રોષે ભરાયા હતા. બેંગ્લુરુ સેન્ટ્રલ ખાતેથી સાંસદ પીસી મોહને જણાવ્યું હતું કે, વિજયનગર સામ્રાજ્ય માટે કન્નડ ભાષા પાસે એક સમૃદ્વ વારસો છે. વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓ પૈકીની એક કન્નડ ભાષાના મહાન વિદ્વાનોએ જેફ્રી ચૌસરથી પણ ઘણા સમય પહેલા મહાકાવ્ય લખી નાખ્યા હતા. ગૂગલી માફી માંગવી જોઇએ.
કન્નડ ભાષીઓ દ્વારા કરવામાં આવેલા ભારે વિરોધ બાદ ગૂગલે સર્ચ એન્જિન પરથી આ પ્રકારનો જવાબ દૂર કર્યો હતો. ત્યાર બાદ માફી માંગવા સાથે એક સ્પષ્ટતા પણ આપી હતી. ગૂગલે કહ્યું હતું કે, ‘સર્ચ હંમેશા પરફેક્ટ નથી હોતું. ઈન્ટરનેટ પર જે રીતે કોઈ કન્ટેન્ટ પરિભાષિત કરવામાં આવે છે, કોઈ સવાલના જવાબમાં તે જ રીતે રિઝલ્ટ સામે આવી શકે છે. અમે જાણીએ છીએ કે આ આઈડિયલ નથી. પરંતુ જો અમને કોઈ ફરિયાદ કરવામાં આવે તો અમે તરત જ તેને ઠીક કરી દઈએ છીએ.
અમે સતત અમારા અલ્ગોરિધમને યોગ્ય કરવા કામ કરી રહ્યા છીએ. જરૂરી નથી કે આ પ્રકારના રિઝલ્ટ ગૂગલના ઓપિનિયનને રિફ્લેક્ટ કરતા હોય.