Site icon Revoi.in

Koo એપમાં ચીનના રોકાણને લઇને સરકારે કરી સ્પષ્ટતા, નિયમ પ્રમાણે રોકાણ હોવાનો દાવો

Social Share

નવી દિલ્હી: ટ્વીટરને ટક્કર આપવા ભારતમાં જ નિર્મિત માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ એપમાં ચીની રોકાણને લઇને સરકારે સ્પષ્ટતા કરી છે. સરકાર દ્વારા કરાયેલી સ્પષ્ટતા અનુસાર આ એપમાં ચીની કંપનીનું રોકાણ નિયમ અનુસાર જ છે અને આ એપ ભારતમાં જ બનેલી છે.

કૂ એપમાં અનેક સરકારી વિભાગો તેમજ સેલિબ્રિટી જોડાયા બાદ એ એપ ખૂબ જ ચર્ચામાં છે. તે ટ્વીટરના દેશી સંસ્કરણ તરીકે ઓળખાવા લાગી છે. પરંતુ ત્યારથી એક નવો વિવાદ સામે આવ્યો છે કે, તેની પેરેન્ટ કંપની Bombinate ટેક્નોલોજીમાં ચીનની કંપની Shunwei કેપિટલે રોકાણ કર્યું છે. જો કે, કંપનીમાં તેનું રોકાણ 9 ટકા કરતા પણ ઓછું છે.

લોકસભામાં એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર જાણે છે કે કૂ એપની પેરેન્ટ કંપનીમાં એક ચીની ફર્મનું રોકાણ છે?

લોકસભામાં પૂછાયેલા આ સવાલના લેખિત જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્ય મંત્રી સંજય ધોતરે કહ્યું હતું કે, 17 એપ્રિલ 2020 પહેલા IT કંપનીઓમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા રોકાણની મંજૂરી હતી. આ રોકાણ તેના પહેલા થયું હતું માટે તે નિયમ અનુસાર છે.

આ એપના મુખ્ય રોકાણકારો વિશે વાત કરીએ તો, પૂર્વ ક્રિકેટર જવાગલ શ્રીનાથ, ઉડાનના સહ સ્થાપક સુજીત કુમાર, બૂક માય શોના સ્થાપક આશીષ હેમરાજાની, ફ્લિપકાર્ટના સીઇઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિ અને જેરોધાના સ્થાપક કામતનો સમાવેશ થાય છે.

(સંકેત)