નવી દિલ્હી: ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ટફોન એ જીવનનું એક અનિવાર્ય સાધન બની ગયું છે. દરેક નાના મોટા કામ માટે આપણે સ્માર્ટફોન પર જ નિર્ભર રહેતા હોય છે. ડોક્યુમેન્ટ્સથી લઇને પાસવર્ડ એવી દરેક વસ્તુ આપણે ફોનમાં સેવ કરતા હોય છે. તે ઉપરાંત કેશલેસ મની ટ્રાન્સફર માટે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન અને બેંકની વિગતો પણ તમારા ફોનમાં સેવ હશે. જો આવું છે તો તમારે સાવધ થવું પડશે. ખાસ કરીને એન્ડ્રોઇડ યૂઝર્સ વધુ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. ઇન્ડિયન કમ્પ્યૂટર ઇમરજન્સી રિસપોન્સ ટીમ એટલે કે CERT-in એ ચેતવણી આપતા કહ્યું છે કે, એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ પર Drinik નામના માલવેરનો ખતરો મંડરાઇ રહ્યો છે.
Drinik નામનો આ માલવેર યૂઝર્સની ઑનલાઇન બેંકિંગ ડિટેઇલ્સ ચોરી રહ્યો છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. આ માલવેર દ્વારા હેકર્સ પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરના 27થી વધુ બેંકના યૂઝર્સને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.
Drinik માલવેર મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરનાર યૂઝર્સ માટે ડિવાઇસ પર ઇનકમ ટેક્સ રિફંડની લાલચ આપી એન્ટ્રી કરે છે. ઇન્કમ ટેક્સ રિફંડનું નામ આવતા જ ઘણા લોકો તેના પર વિશ્વાસ કરે છે અને આવા ફ્રોડમાં ફસાઇ જાય છે. જે બાદમાં તેમને મોટા નુકસાનનો સામનો કરવો પડે છે. આપને જણાવી દઇએ કે આ એક બેંકિંગ ટ્રોજન છે અને તેના દ્વારા હેકર્સ યૂઝર્સના ફોનની સ્ક્રિનને મોનિટર કરી શકે છે. તે ઉપરાંત બેંકિંગ સાથે જોડાયેલી ખાનગી માહિતીની પણ ચોરી કરે છે.
CERT-inએ જણાવ્યું કે, આ માલવેર યૂઝર્સના ફોનમાં નાખવા માટે એક ટેક્સ મેસેજ મોકલવામાં આવે છે અને તેમાં એક લિંક પણ શેર કરવામાં આવે છે. જેના પર ક્લિક કરતા જ યૂઝર્સ ઇન્કમ ટેક્સની ફેક વેબસાઇટમાં પહોંચી જાય છે. ત્યાર બાદ યૂઝરને વાયરસ વાળી એક APK ફાઇલને ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવે છે. ઇન્સ્ટોલ પૂર્ણ થતા જ યૂઝર્સ પાસેથી SMS, કોલ લોગ અને કોન્ટેક્ટની સાથે અનેક જરૂરી વિગતો માટે એક્સેસ માંગવામાં આવે છે. એક્સેસ મળતા જ તમારો ફોન હેકર્સના કન્ટ્રોલમાં આવી જાય છે અને ફ્રોડ થાય છે.