ઓમિક્રોનના પ્રકોપ વચ્ચે ફ્રી કોવિડ ટેસ્ટના નામે હેકર્સ લોકોને સંવેદનશીલ ડેટા ચોરી રહ્યા છે, ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જારી કરી
નવી દિલ્હી: ઓમિક્રોનનો પ્રકોપ સમગ્ર દેશમાં વધી રહ્યો છે ત્યારે ફ્રી ટેસ્ટ કરાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ વચ્ચે ફ્રી ટેસ્ટના નામે સંવેદનશીલ માહિતી તફડાવી લેવા માટે હેકર્સ અત્યારે સક્રિય બન્યા છે. ગૃહ મંત્રાલયે આ પ્રકારના સાઇબર હુમલાથી બચવા માટે નવી એડવાઇઝરી બહાર પાડી છે. અજાણ્યા લિંક અજાણ્યા મેઇલ આઇડીમાંથી આવે તો ચેતવાની ચેતવણી સરકારે આપી છે.
નવી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સ્વાસ્થ્ય કટોકટી સર્જાઇ છે અને એ તરફ બધાનું ધ્યાન કેન્દ્રિત થયું છે ત્યારે સાઇબર સુરક્ષામાં થોડી ઢીલ જણાઇ રહી છે. હેકર્સ આ તકનો ફાયદો ઉઠાવીને સંવેદનશીલ ડેટા તફડાવી શકે છે.
સાઈબર હુમલામાંથી બચવા માટે ખાસ તકેદારી રાખવી આવશ્યક છે. અજાણી લિંક કે ટેસ્ટના નામે આવતા મેસેજથી સાવધાન રહેજો. ફ્રી પીસીઆર ટેસ્ટ કરવાના બહાને હેકર્સ ડેટા તફડાવીને ઓનલાઈન આર્થિક છેતરપિંડીથી માંડીને સંવેદનશીલ ડેટા પણ મેળવી શકે છે.
આપને જણાવી દઇએ કે, મેઈલમાં આવેલી કે સોશિયલ મીડિયામાં મેસેજના માધ્યમથી આવેલી લિંક હેકર્સે બનાવેલી વેબસાઈટમાં યુઝર્સને લઈ જાય છે. એ વેબસાઈટમાં જતાં જ યુઝર્સની વિગતો ચોરાઈ જાય છે. એમાં મોબાઈલ નંબરથી લઈને નામ, એડ્રેસ જેવી વિગતો તફડાવીને ભવિષ્યમાં હેકર્સ એ ડેટાનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડી માટે કરી શકે એવી દહેશત વ્યક્ત થઈ હતી.
નોંધનીય છે કે, ગૃહ મંત્રાલયે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી હતી. અજાણી લિંકથી દૂર રહેવાની તેમ જ સત્તાવાર વેબસાઈટમાં જઈને જ માહિતી મેળવવાની હિમાયત થઈ હતી.