- હવે ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ થઇ હાઇટેક માસ્ક
- આ માસ્ક 95 ટકા હવાના કણોથી આપશે સુરક્ષા
- આ માસ્કમાં બિલ્ટ-ઇન માઇક્રોફોન્સ પણ છે
નવી દિલ્હી: આજે કોરોના સામે રક્ષણ માટે માસ્ક ખૂબ જ અનિવાર્ય બની ચૂક્યું છે. વાયરસથી બચવા માટે માસ્ક ખૂબ જ આવશ્યક છે. આ દરમિયાન ઘણી કંપનીઓ નવી નવી ટેકનિક સાથેના માસ્ક માર્કેટમાં લોન્ચ કરી રહી છે. જે તેને વધુ સુરક્ષિત અને સારું બનાવે છે. આ જ દિશામાં રેઝર માર્કેટમાં એક હાઇટેક માસ્ક લોન્ચ કરવાની તૈયારીમાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કંપનીએ જાહેરાત કરી છે કે તે વર્ષાન્ત સુધીમાં પ્રોજેક્ટ હેઝલ નામે CESમાં ફેસ માસ્ક પ્રસ્તુત કરશે. કોરોના વાયરસ સામે સુરક્ષા પ્રદાન કરવા ઉપરાંત આ માસ્ક પોતાના ફ્યુચરિસ્ટિક લૂક માટે અલગ લાગે છે. તેના બિલ્ટ ઇન માઇક્રોફોન્સ અને લાઇટ ઇફેક્ટથી આ માસ્ક વધુ ખાસ બને છે. આ માસ્ક મોઢાને સંપૂર્ણ ઢાંકી શકે છે અને તેમાં સિલિકોન ગાર્ડ પણ છે.
આ માસ્કમાં પહેરનારનો ચહેરો પણ દેખાશે તેમજ હવાને ફિલ્ટર કરવા માટે મોઢાની આસપાસ બે વેન્ટિલેશન ઝોન્સ પણ છે. માસ્કમાં રિપ્લેસેબલ N95 માસ્ક ફિલ્ટરનો ઉપયોગ કરાયો છે જે હવામાં રહેલા લગભગ 95 ટકા હાનિકારક કણોથી બચાવશે. તેમાંથી દરેક ફિલ્ટર ડિસ્પોઝિબલ સર્જિકલ માસ્કની તુલનામાં 3 ગણું વધારે ચાલે છે.
અંધારામાં પણ માસ્ક પહેરનારનો ચહેરો દેખાઇ શકે તે માટે માસ્કમાં બહાર એલઇડી લાઇટની સાથે ઇન્ટિરીયર લાઇટ્સ પણ હશે. આ સિવાય તેમાં રહેલ ઇન્ટિગ્રેટેડ માઇક્રોફોન્સ અને એમ્પ્લીફાયરના કારણે માસ્ક પહેર્યુ હશે તો પણ પહેરનાર વ્યક્તિને સાંભળી શકાશે. તેમાં એક સક્રિય એર કૂલિંગ અને રેગ્યુલેશન સિસ્ટમ પણ છે.