- ટ્વિટરને હાજર થવા માટે સંસદીય સમતિનો આદેશ
- સંસદીય સમિતિએ આઇટી મંત્રાલયને પણ તેનો પક્ષ રાખવા હાજર રહેવા નિર્દેશ આપ્યો
- સોશિયલ મીડિયા કંપનીઓ સાથે ચાલી રહેલી ચર્ચાને હવે આગળ વધારાશે
નવી દિલ્હી: નવા આઇટી કાયદાઓને લઇને ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી તુ તુ મે મે વચ્ચે સંસદની સૂચના અને ટેક્નોલોજીની સ્થાયી સમિતિએ ટ્વિટરના અધિકારીઓને 18 જૂનના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. તે ઉપરાંત સંસદીય સમિતિએ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના અધિકારીઓને પણ પોતાનો પક્ષ રાખવા હાજર થવા કહ્યું છે.
સંસદ ભવન સાથે જોડાયેલા એક સૂત્ર અનુસાર, સોશિયલ મીડિયા કંપનીઓ સાથે ચાલી રહેલી ચર્ચાને હવે આગળ વધારાશે. નવા આઇટી કાયદા તેમજ હાલમાં થયેલી કેટલીક ઘટનાઓ જમાં મેન્યુપ્લેટિવ મીડિયા વિવાદ અને દિલ્હી પોલીસ દ્વારા ટ્વિટરના અધિકારીઓને ગાઇડલાઇન્સને લઇને પૂછપરછ જેવી બાબતો પર પેનલ ચર્ચા કરશે.
પેનલ અગાઉ ટ્વિટરના પક્ષને જાણશે અને બાદમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના અધિકારીઓને નાગરિકોના અધિકારોને સુરક્ષિત રાખવા સોશિયલ મીડિયા અને ઑનલાઇન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના દૂરુપયોગ સહિત ડિજીટલ વિશ્વમાં મહિલાની સુરક્ષા પર વિશેષ ધ્યાનના વિષય પર પુરાવા રજૂ કરવાની તક આપશે.
સૂચના અને ટેકનોલોજીની સ્થાયી સમિતિની અધ્યક્ષતા કોગ્રેસ નેતા અને થિરુવનંતપુરમના સાંસદ શશિ થરુર કરશે. થરૂરે ટ્વિટરના અધિકારીઓને અનેક મુદ્દાઓ પર પક્ષ રાખવા બોલાવ્યા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર સાથે ટ્વિટરનો ટકરાવ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયો હતો.