- સ્માર્ટફોન થાય છે ઓવરહીટ
- આ રીતે ફોન થાય છે ઓવરહીટ
- આ ટ્રિક્સથી સ્માર્ટફોનને ઓવરહીટ થતા બચાવો
નવી દિલ્હી: આજના સમયમાં કોલથી માંડીને, મેઇલ કરવા, ઇન્ટરનેટ વપરાશ અને ડિજીટલ ચૂકવણી સહિતના કામકાજ માટે આપણે સ્માર્ટફોન પર નિર્ભર રહીએ છીએ. રોજિંદા જીવનમાં પણ સ્માર્ટફોનનો મોટા ભાગના કામકાજ માટે ઉપયોગ થતો હોય છે. સ્માર્ટફોનના વારંવાર વપરાશને કારણે સ્માર્ટફોન ઓવરહીટ થવાની સમસ્યા પણ રહેતી હોય છે. જો સ્માર્ટફોન ઓવરહીટ થાય તો તે જોખમી સાબિત થઇ શકે છે. જેને કારણે ક્યારેક ફોનની બેટરી બ્લાસ્ટ થવાનો ખતરો પણ રહે છે.
શા માટે સ્માર્ટફોન થાય છે ઓવરહીટ
જો તમે સ્માર્ટફોનમાં ખૂબ જ હેવી ગ્રાફ્કિસ અને મોટી એપ્લિકેશનનો વપરાશ કરો છો તો તેનાથી પણ ફોન ગરમ થવાની સંભાવના રહે છે.
બીજી તરફ ફોનમાં કેમેરાની ગરમી તેમજ કમ્યુનિકેશન યુનિટને કારણે પણ ફોન ઓવરહિટ થાય છે.
ફોનમાં વધારે એપ્લિકેશન અથવા કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે.
સ્માર્ટફોન ઓવરહીટ થવાથી તેની સીધી અસર સ્માર્ટફોનના પરફોર્મન્સ પર પણ પડે છે. આ સમસ્યાથી બચવા માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો.
મોબાઇલ કવરને કારણે સ્માર્ટફોન વધુ ગરમ થાય છે. વધુ પડતો તડકો અને ગરમ વાતાવરણને કારણે મોબાઇલ પર અસર થાય છે. મોબાઇલ કવર લગાવી રાખવાથી ફોનની ગરમી બહાર આવતી નથી અને ફોનને કૂલિંગ મળતું નથી. મોબાઇલ કવરને સમયાંતરે કાઢવું આવશ્યક છે. જો સ્માર્ટફોનનો ઉપયોગ ના હોય ત્યારે ફોનને પંખા નીચે રાખવો હિતાવહ છે.
સ્માર્ટફોનને ઓવરહીટથી બચાવવા માટે ફૂલ ચાર્જ કરતાં ફોનને 90 ટકા અથવા તેનાથી ઓછા ટકા સુધી ચાર્જ કરવો જરૂરી છે. સ્માર્ટફોનની બેટરી 20 ટકાથી ઓછી ના થવી જોઇએ. વારંવાર સ્માર્ટફોન ચાર્જ કરવાથી પણ બેટરી હીટ થતી હોવાથી દિવસમાં માત્ર 2-3 વાર ફોનને ચાર્જ કરો.
બેકગ્રાઉન્ટ એપ્લિકેશનનો ઉપયોગ ના હોય ત્યારે તેને બંધ કરી દેવી જોઇએ. જો ફોનમાં બેકગ્રાઉન્ડમાં એપ રનિંગ હોય તો પણ ફોન હીટ થવાની સમસ્યા ઉદ્દભવે છે.
ડુપ્લીકેટ ચાર્જર અથવા સસ્તા ચાર્જરનો ઉપયોગ કરવાથી પણ ફોન ઓવરહીટ થવાની સમસ્યા જોવા મળે છે. બેટરી બ્લાસ્ટ થવાનો પણ ખતરો રહે છે તેથી બને ત્યાં સુધી ફોનના ઓરીજીનલ ચાર્જરનો ઉપયોગ કરવો જોઇએ.